ભારતને મળી મોટી સફળતાઃ 26/11 હુમલાના આરોપીના પ્રત્યર્પણ માટે અમેરિકા તૈયાર…
નવી દિલ્હીઃ અમેરિકામાં ભારતને મોટી સફળતા મળી છે. 26/11 મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. અમેરિકાની કોર્ટે તહવ્વુર રાણાના પ્રત્યાર્પણને લીલી ઝંડી આપી દીધી છે.
આ પણ વાંચો : 26/11 મુંબઈના આતંકવાદી હુમલાના ગુનેગાર અબ્દુલ રહેમાનનું પાકિસ્તાનમાં મોત
ઓગસ્ટ 2024માં પોતાનો ચુકાદો આપતી વખતે યુએસ કોર્ટે ભારત-યુએસ પ્રત્યાર્પણ સંધિ હેઠળ રાણાને ભારત મોકલવાની મંજૂરી આપી હતી.રાણા પર 26/11ના માસ્ટરમાઇન્ડ ડેવિડ કોલમેન હેડલીને મદદ કરવાનો આરોપ છે. હેડલીએ મુંબઈના સ્થળોની તપાસ હાથ ધરી હતી. આ પહેલા ભારતે અમેરિકન કોર્ટ સમક્ષ મજબૂત પુરાવા રજૂ કર્યા હતા, જેમાં રાણાની સંડોવણી સ્પષ્ટ જોવા મળી હતી.
કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે બંને દેશો વચ્ચે થયેલા કરાર હેઠળ તેને ભારત પ્રત્યાર્પણ કરી શકાય છે. FBIએ 2009માં શિકાગોથી રાણાની ધરપકડ કરી હતી. તે પાકિસ્તાનની ISI અને લશ્કર-એ-તૈયબાનો ઓપરેટિવ હોવાનું કહેવાય છે. કોર્ટે જણાવ્યું હતું કે રાણા તે મુંબઈ આતંકવાદી હુમલાના કાવતરામાં સામેલ હતો, અને તેને ભારતને પ્રત્યાર્પણ કરવું જોઈએ.
રાણાનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો અને તેણે આર્મી મેડિકલ કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. તે ડૉક્ટરીનો વ્યવસાય કરતો હતો, પણ તેણે નોકરી છોડી દીધી હતી. તે કેનેડાનો નાગરિક છે. તે કેનેડા, પપાકિસ્તાન, જર્મની, યુકેમાં મુસાફરી કરી છે. તે સાત ભાષા બોલી શકે છે.
2006થી નવેમ્બર 2008 સુધી તહવ્વુર રાણાએ પાકિસ્તાનમાં ડેવિડ હેડલી અને અન્ય લોકો સાથે મળીને મુંબઇના આતંકવાદી હુમલાની યોજના બનાવી હતી. હેડલી હવે સરકારી સાક્ષી બની ગયો છે.
આ પણ વાંચો : KBCમાં 26/11ના હુમલાના એ દૃશ્યને યાદ કરી આજે પણ કાંપે છે આ પોલીસ અધિકારીનું કાળજું
નોંધનીય છે કે 26 નવેમ્બર, 2008માં મુંબઇમાં આતંકવાદી હુમલો થયો હતો. આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવવાના ઓપરેશનમાં મુંબઈ પોલીસ, ATS અને NSGના 11 જવાન શહીદ થયા હતા.