આમચી મુંબઈ

ભારતથી કમ્બોડિયા સુધી ફેલાયેલા કિડની રૅકેટનો પર્દાફાશ: બે ડૉક્ટરની ધરપકડ

મુંબઈ: દેવાના ડુંગર નીચે દબાયેલા ખેડૂત દ્વારા પોસ્ટ કરાયેલો વીડિયો વાયરલ થયા બાદ તેની ગંભીર નોંધ લઈ ચંદ્રપુર પોલીસે તપાસ હાથ ધરીને ભારતનાં વિવિધ શહેરોથી છેક કમ્બોડિયા સુધી ફેલાયેલા કિડની રૅકેટનો પર્દાફાશ કર્યો હતો. આ રૅકેટ સાથે સંકળાયેલી સિન્ડિકેટ કઈ રીતે દર્દી પાસેથી કિડનીદીઠ 50થી 80 લાખ રૂપિયા પડાવે છે અને દાતાને માત્ર પાંચથી આઠ લાખ રૂપિયા ચૂકવે છે એની જાણકારી આ વીડિયોમાં અપાઈ હતી.

કિડની રૅકેટની પ્રારંભિક તપાસ ચંદ્રપુર પોલીસને દિલ્હી અને તમિળનાડુ સુધી દોરી ગઈ હતી. તપાસ દરમિયાન ડૉ. રાજરત્નમ ગોવિંદસ્વામી અને ડૉ. રવીન્દર પાલ સિંહની ધરપકડ કરવામાં આવી હતી. ડૉ. ગોવિંદસ્વામી તિરુચિરાપલ્લીની એક હૉસ્પિટલ સાથે સંકળાયેલા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

આપણ વાચો: પ્લોટ – 16 – પ્રકરણ-47: બિહારના કિડની ટ્રાન્સપ્લાન્ટના રૅકેટ સાથે કનેક્શન!

ચંદ્રપુરના ખેડૂત રોશન કુડેએ તાજેતરમાં અવયવ પ્રત્યારોપણ સંબંધી એક વીડિયો વાયરલ કર્યો હતો, જેની તપાસમાં આઘાતજનક આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય રૅકેટનો પર્દાફાશ થયો હતો. વીડિયોમાં ખેડૂતને લોનની ચુકવણી માટે કઈ રીતે કિડની વેચવા મજબૂર કરાયો તેની જાણકારી છે. કમ્બોડિયામાં લઈ જઈને તેની કિડની કાઢવામાં આવી હતી અને બદલામાં માત્ર આઠ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.

આ કેસની તપાસ દરમિયાન પોલીસે મોબાઈલ ફોનના રેકોર્ડની ચકાસણી કરી હતી. તપાસમાં આ રૅકેટ ભારત બહાર વિસ્તરેલું હોવાની ખાતરી થઈ હતી. એજન્ટ્સ, ડૉનર્સ અને ડૉક્ટરોની મિલીભગતથી આ રૅકેટ ચાલતું હોવાનું સામે આવ્યું હતું. ડિજિટલ ફૂટપ્રિન્ટ્સને આધારે પોલીસે ગેરકાયદે શસ્ત્રક્રિયામાં કથિત રીતે સંડોવાયેલી હૉસ્પિટલને ઓળખી કાઢી હતી. કુડે સોશ્યલ મીડિયા મારફત એજન્ટના સંપર્કમાં આવ્યો હતો. આ પ્રકરણે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button