‘I.N.D.I.A.’ ગઠબંધન મહારાષ્ટ્રમાં ‘પાસ’, આ કોકડું ઉકેલાયું, જાણો મોટો ન્યૂઝ?

મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં ભાજપ (ભારતીય જનતા પાર્ટી) અને તેના સાથી પક્ષોને હરાવવા માટે વિપક્ષ દ્વારા બનાવવામાં આવેલી યુતિમાં સૌથી મોટી સમસ્યા બેઠકોની વહેંચણીની હતી. જોકે વિપક્ષોના જોડાણ I.N.D.I.A. ગઠબંધનમાં બેઠકોની વહેંચણીનો મુદ્દો હવે ઉકેલાઇ ગયો છે અને સર્વ પક્ષોએ સંમતિથી બેઠકોની વહેંચણી અંગે અંતિમ નિર્ણય લીધો છે.
શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ), રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર જૂથ), કૉંગ્રેસ અને પ્રકાશ આંબેડકરના પક્ષ વચ્ચે બેઠકોની વહેંચણી વિશે નિર્ણય લેવાઇ ગયો છે. મળતી જાણકારી મુજબ મહારાષ્ટ્રની લોકસભાની 48 બેઠકમાંથી ઉદ્ધવ ઠાકરેની શિવસેના 20 બેઠક પરથી, કૉંગ્રેસ 15 બેઠક પરથી એનસીપી 10 બેઠક પરથી અને પ્રકાશ આંબેડકરનો પક્ષ બે બેઠકો પરથી લોકસભાની ચૂંટણી લડશે.
છેલ્લાં અનેક દિવસોથી બેઠકોની વહેંચણી માટે વિપક્ષો વારંવાર બેઠકો કરી રહ્યા હતા. જોકે, આખરે આ બેઠકોમાં થતી ચર્ચાનો અંત આવ્યો છે અને વિપક્ષના ઘટક પક્ષોએ બેઠકોની વહેંચણી માટે સર્વસંમતિએ નિર્ણય લીધો છે.
એક બાજુ વિપક્ષના જોડાણને પશ્ચિમ બંગાળ અને બિહારમાં મમતા બેનરજી અને નીતીશ કુમારે છેડો ફાડી નાંખતા મોટો ફટકો પડ્યો છે ત્યારે મહારાષ્ટ્રમાં વિપક્ષ બેઠકોની વહેંચણીના મામલે એકજૂથ થઇને નિર્ણય લઇ શક્યો છે, તે એક સકારાત્મક વાત ગણાઇ રહી છે.
પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને પણ પંજાબમાં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરતા આમ આદમી પાર્ટી (આપ)એ પણ I.N.D.I.A.ને મોટો ઝટકો આપ્યો હતો.