આજે પણ લોકલ ટ્રેનોના ધાંધિયામાંથી 'મુક્તિ' નહીંઃ નોન પીક અવર્સમાં ભયાનક ભીડ, કારણ શું?
આમચી મુંબઈ

આજે પણ લોકલ ટ્રેનોના ધાંધિયામાંથી ‘મુક્તિ’ નહીંઃ નોન પીક અવર્સમાં ભયાનક ભીડ, કારણ શું?

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
તહેવારના દિવસોમાં જાહેર રજા હોવાથી રેલવે લોકલ ટ્રેનોને ‘રવિવાર’ની રજાના શેડયૂલની માફક દોડાવવાની જાહેરાત કરે છે. આજે સ્વતંત્રતા દિવસ નિમિત્તે મધ્ય અને પશ્ચિમ રેલવેમાં રવિવારના માફક ઓછી ટ્રેન દોડાવતા લાખો પ્રવાસીઓને ટ્રેનોમાં ટ્રાવેલ કરવામાં હાલાકી પડી હતી.

મધ્ય રેલવેમાં આજે રવિવારના ટાઈમટેબલ પ્રમાણે લોકલ ટ્રેનો સવારથી લઈને રાત સુધી દોડાવી હતી, પરંતુ ઓછી ટ્રેનોની સર્વિસને કારણે પ્રવાસીઓની ભયાનક ભીડ જોવા મળી હતી.

રજાના દિવસે ડબલ લોકો કરે છે મુસાફરી
આ મુદ્દે ડોંબિવલીના પ્રવાસીએ કહ્યું હતું કે રજાને કારણે ટ્રેનો રદ કરવાનું કારણ સમજાતું નથી. હવે રેલવેનું ગણિત ઊંધું થઈ ગયું છે. પહેલા જેવું રહ્યું નથી. હવે રજાના દિવસે ડબલ લોકો પ્રવાસ કરે છે.

સામાન્ય દિવસ કરતા પણ વધારે હોલિડે અથવા રવિવારના દિવસે લોકો મુસાફરી કરે છે, પણ એ દિવસે રેલવે ઓછી ટ્રેન દોડાવતા ટ્રેનોમાં ભીડ વધે છે. ટ્રેનમાં ભીડ વધવાની સાથે ધક્કામુક્કીથી અકસ્માતો વધે છે, પણ એ બાબત અંગે રેલવે આંખ આડા કાન કરે છે.

રજાના દિવસોમાં હોલિડે ટાઈમટેબલ પ્રમાણે ટ્રેનો નહીં દોડાવો
રજાના દિવસે પીક અવર્સમાં પ્રવાસીઓની સંખ્યા કરતા નોન-પીક અવર્સમાં ડબલ પ્રવાસીઓ જોવા મળ્યા હતા. સબર્બન સેક્શનમાં બોરીવલી, અંધેરી, બાંદ્રા અને દાદર સહિત મધ્ય રેલવેમાં કુર્લા, ઘાટકોપર, થાણે અને ડોંબિવલી-કલ્યાણ સ્ટેશને પ્રવાસીઓની જોરદાર ભીડ જોવા મળી હતી.

બપોર પછી રેગ્યુલર કરતા પણ વધારે પ્રવાસીઓ હોવાથી મોટા ભાગની ટ્રેનો પ્રવાસીઓથી ભરેલી હતી. રવિવારના શેડ્યૂલ પ્રમાણે ટ્રેન નહીં દોડાવવાની પ્રવાસી સંગઠન દ્વારા ભલામણ કરી છે, પરંતુ અધિકારીઓ ધ્યાન આપતા નથી.

રેલવેનું શું માનવું છે
આજે પંદરમી ઓગસ્ટના સ્વતંત્રતા દિવસ નિમિત્તે રવિવારની રજાના શેડયૂલને કારણે મધ્ય રેલવેમાં આજે 350થી વધુ ટ્રેન રદ કરી હતી, પરિણામે બપોર પછી મોટા ભાગના સ્ટેશન પર પ્રવાસીઓની ભીડ જોવા મળી હતી. રેગ્યુલર પ્રવાસીઓને પણ ટ્રેનમાં મુસાફરી કરવામાં અગવડ પડી હતી.

આ મુદ્દે રેલવેનો પણ એક જવાબ હોય છે જેમ કે હોલિડે શેડ્યૂલમાં ઓછો સ્ટાફ હોય છે, જ્યારે સ્ટાફને પણ રજા આપવાનું જરુરી હોય છે. વર્ષોની સિસ્ટમને અમલમાં મૂકી છે, જેથી રજાના દિવસ ઓછા લોકો ટ્રાવેલ કરે છે, તેથી ઓછી ટ્રેન દોડાવાય છે.

3,200થી વધુ ટ્રેન દોડાવાય છે
મધ્ય અને પશ્ચિમ રેલવેમાં કુલ મળીને લગભગ 150 રેલવે સ્ટેશન છે, જ્યારે રોજના 3,200થી વધુ ટ્રેનની સર્વિસીસ દોડાવાય છે. રોજના 70થી 75 લાખ પ્રવાસી ટ્રાવેલ કરે છે, જેમાં મેટ્રોની સર્વિસ વધ્યા પછી પ્રવાસીઓની સંખ્યામાં ક્યાંય ઘટાડો થયો એમ જણાતું નથી.

લોકલ ટ્રેનો માંડ રાત (લાસ્ટ લોકલ રાતના એક વાગ્યાથી વહેલી સવારના પહેલી લોકલ ચાર વાગ્યાથી શરુ થાય)ના બે-અઢી કલાકના હોલ્ટ વચ્ચે નોન-સ્ટોપ દોડાવાય છે. ઉપરાંત, સવારના આઠ વાગ્યાથી સાડા દસ વાગ્યા સુધી અને રાતના પાંચ વાગ્યાથી 8.30 વાગ્યા સુધી પીક અવર્સ રહે છે, પરંતુ રજાના દિવસોમાં આ સમય સિવાય પ્રવાસીઓ વધુ ટ્રાવેલ કરે છે.

આ પણ વાંચો…કુર્લા-CSMT વચ્ચે 10 વર્ષથી 2 રેલવે લાઇનનું કામ અટકેલું, જાણો શું છે કારણ?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button