વાનખેડેમાં ટીમ ઇન્ડિયાનો દબદબો, આટલા વર્ષથી ન્યૂ ઝીલૅન્ડ સામે નથી હારી ટેસ્ટ-મૅચ…
મુંબઈ: ભારત અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચેની ત્રીજી અને અંતિમ ટેસ્ટ શુક્રવાર, પહેલી નવેમ્બરથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાવાની છે. ભારતીય ટીમ પહેલી બન્ને મૅચ હારી જતાં સિરીઝની ટ્રોફી ગુમાવી ચૂકી છે, પરંતુ હવે આખરી ટેસ્ટમાં પણ હારી ન જવાય એની ટીમ ઇન્ડિયાએ ખાસ તકેદારી રાખવી પડશે અને એમાં ઇતિહાસ ભારતની પડખે છે.
આ પણ વાંચો : પરાજિત રોહિતસેનાને ‘સજા’: દિવાળીના દિવસોમાં બધાએ ફરજિયાત…
બેન્ગલૂરુની પ્રથમ ટેસ્ટમાં ભારત આઠ વિકેટે અને બીજી ટેસ્ટમાં 113 રનથી હારી ગયું હતું. હવે વાનખેડેની ટેસ્ટ ભારત માટે આંખો ઉઘાડનારી સાબિત થશે. આ મુકાબલો જીતીને રોહિત શર્મા ઍન્ડ કંપની પરાજયનો માર્જિન 1-2નો રાખી શકશે અને મૅચ ડ્રૉ જશે તો કિવીઓ 0-2ની જીત સાથે પાછા જશે, પરંતુ જો ભારતીય ટીમ પરાજિત થશે તો ઘરઆંગણે 0-3ના વ્હાઇટ-વૉશનો આઘાત વર્ષો સુધી નહીં ભુલાય.
હાલમાં ભારતીય ટીમ માટે આશાનું એકમાત્ર કિરણ એ છે કે વાનખેડેમાં ન્યૂ ઝીલૅન્ડ સામે ભારતનો રેકૉર્ડ સારો છે. એકંદરે જોઈએ તો વાનખેડેમાં ભારત અત્યાર સુધીમાં કુલ 26 ટેસ્ટ રમ્યું છે જેમાંથી 12 મૅચમાં ભારત જીત્યું છે અને ફક્ત સાતમાં હાર્યું છે. સાત મૅચ ડ્રૉ થઈ છે.
આંકડાની દૃષ્ટિએ જોઈએ તો વાનખેડેમાં ભારતીય ટીમ હરીફ દેશોની ટીમ પર મોટા ભાગે ભારે પડી છે. વાનખેડેમાં ન્યૂ ઝીલૅન્ડ સામે ભારતીય ટીમ ત્રણમાંથી બે ટેસ્ટ જીતી છે અને એક હારી છે. 1988ની સાલ પછી વાનખેડેમાં ન્યૂ ઝીલૅન્ડ સામે ભારત ટેસ્ટમાં નથી હાર્યું. વર્તમાન સિરીઝની બેન્ગલૂરુની ટેસ્ટ અગાઉ 36 વર્ષ પહેલાં કિવીઓ ભારત સામે જે ટેસ્ટ જીત્યા હતા એ વાનખેડેમાં રમાઈ હતી અને એમાં ભારતનો 136 રનથી પરાજય થયો હતો. ત્યારે ન્યૂ ઝીલૅન્ડ સામે જૉન બ્રેસવેલ મૅચ-વિનર હતો. તેણે મૅચમાં કુલ આઠ વિકેટ લીધી હતી અને 84 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો : ‘રોહિતે ટી-20 વાળી માનસિકતા છોડવી જોઈએ’…કયા ભૂતપૂર્વ ક્રિકેટરે કેમ કહ્યું આવું કૅપ્ટન વિશે?
ભારતની સ્ક્વૉડ: રોહિત શર્મા (કૅપ્ટન), જસપ્રીત બુમરાહ (વાઇસ-કૅપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, રિષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચન્દ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને આકાશ દીપ.