બાબા સિદ્દીકી મર્ડર કેસ: ધરપકડ કરાયેલા આરોપીઓ પર હુમલાની આશંકા, મુંબઈ પોલીસે સુરક્ષા વધારી
મુંબઇઃ મુંબઈમાં એનસીપીના નેતા બાબા સિદ્દીકી હત્યા કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓની સુરક્ષાને લઈને પોલીસ વિશેષ તકેદારી રાખી રહી છે. પોલીસને શંકા છે કે આરોપીઓ પર કોર્ટમાં હુમલો થઇ શકે છે. આ આશંકાને કારણે પોલીસે કોર્ટ પરિસરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે, જેથી કોઈપણ સંભવિત હુમલાને ટાળી શકાય.
મુંબઈના પૂર્વ મંત્રી અને NCP (અજિત પવાર જૂથ)ના નેતા બાબા સિદ્દીકીની તેમની ઓફિસની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના થોડા સમય બાદ પોલીસે બે શૂટરોની ધરપકડ કરી હતી, જેમના નામ કરનૈલ સિંહ અને ધરમરાજ કશ્યપ છે. કરનૈલ હરિયાણાનો રહેવાસી છે. ધરમરાજ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે.
આ પણ વાંચો: બાબા સિદ્દીકીના મૃત્યુથી મહારાષ્ટ્રની ચૂંટણી પર શું અસર પડશે? આ વિસ્તારમાં ધરાવે છે પ્રભુત્વ
હવે જે ત્રીજા આરોપીની ઓળખ થઈ છે, તેનું નામ શિવ કુમાર છે. તે યુપીનો રહેવાસી છે. આ હત્યા માટે શૂટરોને કોન્ટ્રાક્ટ મળ્યો હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. બે શૂટરોની ધરપકડ કર્યા પછી, પોલીસ તેમની પૃષ્ઠભૂમિ અને ગેંગ કનેક્શન્સ શોધવા માટે હરિયાણા અને ઉત્તર પ્રદેશ પોલીસના સંપર્કમાં છે. પોલીસને શંકા છે કે ધરપકડ કરાયેલા આરોપીઓ પર તેમને કોર્ટમાં હાજર કરવા દરમિયાન હુમલો થઇ શકે છે. આ ખતરાને જોતા મુંબઈ પોલીસે તેમની વધારાની સુરક્ષા વ્યવસ્થા કરી છે.
પોલીસનું માનવું છે કે ન્યાયિક પ્રક્રિયા દરમિયાન કોઈપણ પ્રકારની હિંસા કે અપ્રિય ઘટનાને ટાળવા માટે આ પગલું ભરવું જરૂરી છે. કોર્ટ પરિસરમાં તૈનાત પોલીસકર્મચારીઓની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે, અને દરેક મુલાકાતીઓની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાન ખાનની સુરક્ષા વધારવામાં આવી
મુંબઈ પોલીસ ઉપરાંત હરિયાણા અને યુપી પોલીસ પણ આ કેસની તપાસ કરી રહી છે. હરિયાણા પોલીસનો એસટીએફ વિભાગ કરનેલ સિંહ વિશે માહિતી એકઠી કરી રહ્યો છે, જ્યારે યુપી પોલીસ ધર્મરાજ કશ્યપના ગુનાહિત રેકોર્ડની તપાસમાં વ્યસ્ત છે. ફરાર ત્રીજા આરોપીને શોધવા પોલીસ વિવિધ સ્થળોએ દરોડા પણ પાડી રહી છે.