મહારાષ્ટ્રમાં વીજમાગમાં વધારો, પણ લોડશેડિંગ નહીં થાય

મુંબઈ: રાજ્યમાં ઉનાળાનો તાપ વધતાં ઉકળાટમાં વધારો થયો છે અને તેને કારણે મુંબઈ સહિત રાજ્યમાં વીજળીની માગણીમાં વધારો થયો છે. હાલમાં વીજમાગણી ૨૮,૫૦૦ મેગાવોટ પર પહોંચી છે. એ પૈકી મુંબઈની મહત્તમ વીજમાગ અંદાજે ચાર હજાર મેગાવોટ હોઇ મહાવિતરણની સોમવારે બપોરે ચાર વાગ્યા સુધી મહત્તમ વીજમાગ ૨૪૫૪૬ જેટલી પહોંચી ગઇ હતી.
મહાનિર્મિતી સહિત ખાનગી કંપનીઓની યંત્રણા સંપૂર્ણ ક્ષમતાથી કાર્યાન્વિત હોવાથી વીજની માગણી પૂરી કરાઈ શકાઇ છે અને ક્યાંય પણ લોડશેડિંગ કરવું નથી પડ્યું. હવે એમાં પણ વધુ બે હજાર મેગાવોટની માગ વધી હોવા છતાં તે પૂરી પાડી શકાશે, એવું મહાવિતરણના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.
આપણ વાંચો:
છેલ્લા બે-ત્રણ દિવસથી મુંબઈ સહિત રાજ્યના અનેક ભાગોમાં તાપમાનમાં વધારો થયો છે અને આગામી ત્રણેક દિવસ આવા જ હાલ રહેવાના હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું હતું. આને કારણે ઓફિસો, દુકાનો અને ઘરોમાં પણ એસી, કુલર્સ અને પંખાનો વપરાશ વધી ગયો છે. જોકે કૃષિ ક્ષેત્રે વીજમાગમાં ઓછી માગ છે. તેમ છતાં ઉકળાટને કારણે વીજળીના વપરાશમાં વધારો થયો છે.
સૌર પ્રોજેક્ટમાંથી ૨૨૭૯ મેગાવોટ વીજળીનું ઉત્પન્ન
ઉનાળામાં સૌર ઊર્જા સારા પ્રમાણમાં મળી રહેતી હોવાથી સોમવારે સૌર પ્રોજેક્ટમાંથી ૨૨૭૯ મેગાવોટ, પવન ઊર્જા પ્રોજેક્ટમાંથી ૨૨૭ મેગાવોટ તેમ જ ખાનગી અને સરકારી કંપનીઓ પાસેથી એકંદરે ૨૩૧૭૦ મેગાવોટ વીજળી ઉપલબ્ધ થઇ હતી. બાકીની વીજળી કોયના હાઈડ્રોપાવર પ્રોજેક્ટ અને પાવર એક્સચેન્જમાંથી ૪.૨૭ પ્રતિ યુનિટના દરે વીજળી મળી રહેતાં મહાવિતરણને કોઇ પણ મુશ્કેલી નડી નહોતી, એવી માહિતી અધિકારીએ આપી હતી.