ટીસીને ચપ્પલ મારનાર ઈન્કમ ટેક્સ ઓફિસરને જેલ, એક લાખનો દંડ
મુંબઈ: ફરજ બજાવતા સરકારી કર્મચારીને ચપ્પલ મારવાના આરોપસર મંગળવારે સેશન્સ કોર્ટે આરોપીને છ મહિનાની આકરી કેદ અને એક લાખ રૂપિયાના દંડની સજા ફટકારી હતી. 2016માં કથિત સ્વરૂપે આ ગુનો નોંધાયો ત્યારે આરોપી આસિસ્ટન્ટ ઈન્કમ ટેક્સ કમિશનરના હોદ્દા પર હતા. એ સમયે રેલવે સ્ટેશન પર ફરજ બજાવતા ટિકિટ ચેકરને ચપ્પલથી ફટકાર્યા હોવાના આરોપમાં સેશન્સ કોર્ટે મંગળવારે આરોપીને દોષી ઠેરવી સજા ફરમાવી હતી.
વિના ટિકિટ પ્રવાસ કરી રહેલા આરોપી રિશી કુમાર સિંહને ટીસીએ અટકાવ્યા ત્યારે તેમણે ટીસી પર હુમલો કર્યો હતો. ન્યાયમૂર્તિ એસ ડી તોષીકરે જણાવ્યું હતું કે ‘સરકારી કર્મચારી પરના હુમલાના બનાવોમાં થતો વધારો ધ્યાનમાં રાખી તેમજ હુમલાનો પ્રકાર જોતા જેલની સજા સાથે દંડ થાય એ પણ જરૂરી હતું.’ ન્યાયમૂર્તિએ વધુમાં જણાવ્યું હતું કે પીડિત સુજીત કુમાર ગુપ્તાને કોઈ દેખીતી ઈજા નથી થઈ. એનું અપમાન થયું છે અને માનસિક ત્રાસ તેણે ભોગવ્યો છે. દંડની રકમમાંથી 50000 રૂપિયા ટીસીને વળતર પેટે આપવામાં આવશે. ટીસીએ અદાલતને જણાવ્યા અનુસાર આ બનાવ 8 ઓક્ટોબર, 2016ના દિવસે સાંજે સવા સાતે સીએસએમટી ખાતે બન્યો હતો. આરોપીએ આરોપ નકાર્યા હતા અને ટીસીએ લાંચ માંગી હોવાનો દાવો કર્યો હતો.