આમચી મુંબઈમહારાષ્ટ્ર

સ્કૂલમાં પહેલા ધોરણથી કૃષિ વિષયનો સમાવેશ: શિક્ષણ પ્રધાનની મોટી જાહેરાત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યમાં શાળા શિક્ષણ વિભાગના અભ્યાસક્રમમાં વ્યાપક સુધારા કરવામાં આવી રહ્યા છે. એક તરફ પૂરતા વિદ્યાર્થીઓ ન હોય તેવી શાળાઓનું વિલીનીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે બીજી તરફ અભ્યાસક્રમમાં કાળાનુરૂપ સુધારા કરવામાં આવી રહ્યા છે. દેશના અર્થતંત્રની કરોડરજ્જૂ સમાન કૃષિ ક્ષેત્રનું શાસ્ત્રીય જ્ઞાન બાળકોને નાનપણથી આપવામાં આવે તો તેઓ વ્યાવહારિક ખેતી કરી શકે છે અને તેથી જ રાજ્યમાં પહેલા ધોરણથી કૃષિ વિષયને અભ્યાસક્રમમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, એવી માહિતી રાજ્યના શાળા શિક્ષણ ખાતાના પ્રધાન દીપક કેસરકરે સોમવારે આપી હતી.

એક કાર્યક્રમ નિમિત્તે દાપોલીમાં આવેલા કેસરકરે કહ્યું હતું કે શાળાના અભ્યાસક્રમમાં સુધારા કરવા પર વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે બાળકોને માતૃભાષામાં એટલે કે મરાઠીમાં જ સારું શિક્ષણ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શાળાના શિક્ષણ સાથે ખેતીનો અભ્યાસ કરાવવામાં આવશે. રાજ્યમાં એકપણ શિક્ષક બેરોજગાર થશે નહીં એવી ખાતરી આપતાં તેમણે કહ્યું કે ઓછી હાજરી ધરાવતા વર્ગોને એકત્રિત કરવામાં આવતા હોવા છતાં સ્કૂલો બંધ કરવાનો સરકારનો વિચાર નથી. માઝી શાળા, સુંદર શાળા ઝુંબેશ મુખ્ય પ્રધાન દ્વારા શરૂ કરવામાં આવેલી એક સારી ઝુંબેશ છે.

તેમણે કહ્યું હતું કે કૃષિ શિક્ષણની ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પહેલા ધોરણથી જ બાળકોને ખેતીનું જ્ઞાના આપવામાં આવશે. આને માટે કૃષિ શિક્ષણ અંગેનો નવો ડ્રાફ્ટ ઘડી કાઢવામાં આવશે.

જિલ્લા પરિષદના શિક્ષકોને કૃષિનો વિષય ભણાવવામાં આવનારી તકલીફોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર કૃષિ યુનિવર્સિટી સાથે સમજૂતીના કરાર કરશે. આ યુનિવર્સિટી શિક્ષકોને તાલીમ આપવાનું કામ કરશે. પહેલા ધોરણથી ખેતીના પાઠ ભણાવવામાં કોઈપણ પ્રકારનો અવરોધ ન સજાર્ય એનું ધ્યાન રાખતાં રાજ્યનું કૃષિ ખાતું પણ ઘણી મોટી ભૂમિકા ભજવશે, એમ પણ કેસરકરે કહ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button