પીએમ મોદીના હસ્તે અટલ સેતુનું ઉદ્ઘાટન
નવી મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મુંબઈમાં બનાવવામાં આવેલા દેશના સૌથી મોટા દરિયાઈ પુલ અટલ બિહારી વાજપેયી શિવડી-ન્હાવા શેવા ‘અટલ સેતુ’નું ઉદ્ઘાટન કર્યું હતું, તેનાથી મુંબઈ અને નવી મુંબઈને ઝડપી કનેક્ટિવિટી મળશે. 17,840 કરોડ રૂપિયાના ખર્ચથી બનાવેલો આ પુલ 21.8 કિલોમીટર લાંબો છે અને તેમાં છ લેન રોડ છે. આ બ્રિજથી મુંબઈથી નવી મુંબઈ સુધીનો સફર માત્ર 20 મિનિટમાં પૂર્ણ કરી શકાશે.
આ ઉદ્ઘાટનના કાર્યક્રમ દરમિયાન તેમની સાથે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, રાજ્યના બે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર પણ હાજર રહ્યા હતા. મુંબઈના ટ્રાન્સ હાર્બર લિંક તરીકે પણ ઓળખાય છે.
શિવડી-ન્હાવા શેવા અટલ-સેતુ આ ભવ્ય બ્રિજના નિર્માણ માટે 1.77 લાખ મેટ્રિક ટન સ્ટીલ અને 504,253 મેટ્રિક ટન સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લગભગ 17,840 કરોડ રૂપિયાના ખર્ચે બનેલો આ બ્રિજ પરથી રોજ 70,000 જેટલા વાહન પસાર થશે. જોકે, અટલ સેતુ ભારત જ નહીં, એશિયાનો લાંબો દરિયાઈ બ્રિજ છે.
આ પુલના ઉદ્ઘાટન બાદ પીએમ મોદી નવી મુંબઈ એરપોર્ટ જવા નીકળશે અને ત્યાં વિવિધ યોજનાનું લોકાર્પણ કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રની મુલાકાતે છે. પીએમ મોદી રાજ્યને અટલ સેતુની સાથે કરોડો રૂપિયાની સરકારી યોજનાઓનું પણ લોકાર્પણ કરશે. ડિસેમ્બર, 2016માં આ પુલનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.