આમચી મુંબઈમહારાષ્ટ્ર

ચૂંટણી પહેલા છગન ભુજબળનો રથ કઇ છાવણીમાં જશે?

મરાઠા સમાજની નારાજગી વ્હોરી ક્યો પક્ષ ભુજબળને સ્વીકારશે?

મુંબઈ: મરાઠા અનામત મુદ્દે શરદ પવાર જેવા દિગ્ગજ નેતાને નિશાની લઇને જાહેરમાં તેમની ટીકા કર્યા બાદ બીજા જ દિવસે તેમની મુલાકાત લેનારા અજિત પવાર જૂથના વરિષ્ઠ નેતા વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષપલટો કરશે કે નહીં તેવી ચર્ચા ચાલી રહી છે ત્યારે બીજી બાજુ શું છગન ભુજબળને લઇને મરાઠા સમાજની નારાજગી વ્હોરી લેવા કોઇ પક્ષ તૈયાર છે કે નહીં તેવો સવાલ પણ ઊભો થયો છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં જ ભુજબળે એનસીપી(શરદચંદ્ર પવાર)ના વડા શરદ પવારની મુલાકાત લેતા રાજકીય વર્તુળમાં ભારે ચર્ચા જાગી હતી અને તે શરદ પવાર જૂથમાં સામેલ થાય તેવી વાતો પણ ચગી હતી. જોકે મરાઠા અનામતને લઇને મહારાષ્ટ્રમાં ચાલેલા આંદોલન દરમિયાન ઓબીસી સમાજ વતી અવાજ ઉઠાવનારા છગન ભુજબળને હવે મરાઠા સમાજ ખલનાયક સમજી રહ્યો છે. તેવામાં મરાઠા સમાજની નારાજગી વ્હોરીને મરાઠા સ્ટ્રોંગમેન તરીકે ઓળખાતા શરદ પવાર તેમને પક્ષમાં સ્વીકાર કરશે કે નહીં તેવો સવાલ પણ ઊભો થઇ રહ્યો છે.

બીજી બાજુ મહાયુતિને લોકસભાની ચૂંટણી દરમિયાન મરાઠા અનામતના આંદોલનના કારણે ફટકો પડ્યો હોવાનું કહેવાય છે અને તેના કારણે મહારાષ્ટ્રમાં મહાયુતિને ઘણી બેઠકો ગુમાવવી પડી હતી તેવી વાતો પણ ચાલે છે. જેને પગલે હવે વિધાનસભાની ચૂંટણી દરમિયાન છગન ભુજબળને સાથે રાખીને મરાઠા સમાજના મત ગુમાવવા પડે તેવી પરિસ્થિતિ ઊભી થઇ શકે તેમ હોઇ કોઇપણ પક્ષ છગન ભુજબળને પોતાની સાથે સામેલ કરવા તૈયાર ન હોવાની ચર્ચા રાજકીય વર્તુળમાં સંભળાઇ રહી છે.

આપણ વાંચો: મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ભૂકંપના એંધાણ, અજિત જૂથના છગન ભુજબળ શરદ પવારના ઘરે પહોંચ્યા

કેસ હજી ચાલતો હોવાથી મહાયુતિનો સાથે છોડવો પરવડશે?

દિલ્હીમાં મહારાષ્ટ્ર સદનના ગોટાળા સહિત મની લોન્ડરિંગના આરોપો હેઠળ 2016માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી) દ્વારા છગન ભુજબળની ધરપકડ કરવામાં આવી હતી અને બે વર્ષ બાદ તેમને જામીન આપવામાં આવ્યા હતા. જોકે, 2023માં ઇડીએ છગન ભુજબળ વિરુદ્ધની પોતાની અરજી પાછી ખેંચતી અરજી દાખલ કરી હતી, પરંતુ આ કેસમાં તેમના પુત્ર સમીર ભુજબળ સામેનો કેસ ઇડીએ પાછો ખેંચ્યો નહોતો.

હવે મહાયુતિની સરકાર સત્તામાં છે ત્યારે મહાયુતિનો સાથ છોડીને શરદ પવારનો હાથ પકડવો છગન ભુજબળ માટે મુશ્કેલી ઊભી કરી શકે તેવી શક્યતા પણ વર્તાવાઇ રહી છે. જેને પગલે ભુજબળ ભવિષ્યમાં શું નિર્ણય લે છે અને શરદ પવાર તેમ જ મહાયુતિ ભુજબળને લઇને શું ફેંસલો લે છે તેના પર બધાનું ધ્યાન છે.

શા માટે ભુજબળથી નારાજ છે મરાઠા સમાજ

મરાઠા અનામત આંદોલન દરમિયાન આંદોલનનું નેતૃત્વ કરનારા મનોજ જરાંગે વિરુદ્ધ છગન ભુજબળ મેદાનમાં પડ્યા હતા અને તેમના વિરુદ્ધ નિવેદનો આપ્યા હતા. મરાઠાઓને ઓબીસી ક્વોટા હેઠળ અનામત આપવામાં આવે તેવી જરાંગેની માગણીનો ભુજબળે વિરોધ કર્યો હતો. તે ઓબીસી ક્વોટામાંથી મરાઠા સમાજને અનામત આપવાની વિરુદ્ધ હોવાથી મરાઠા સમાજમાં ભુજબળની છબી ખરડાઇ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button