
નાગપુર/મુંબઈ: કાળઝાળ ગરમી અને ભારે તડકા વચ્ચે મહારાષ્ટ્રના વિદર્ભમાં શુક્રવારે થયેલા લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનમાં સરેરાશ 54.85 ટકા લોકોએ પોતાનો મતદાનનો ધર્મ બજાવ્યો હતો.
વિદર્ભમાં આવેલી નાગપુર, રામટેક (એસસી), ભંડારા-ગોંદિયા, ચંદ્રપુર અને ગઢચિરોલી-ચિમુર બેઠક પર મતદાન હાથ ધરવામાં આવ્યું હતું. વહીવટીતંત્ર દ્વારા નાગપુરમાં 75 ટકા મતદાનનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું હતું, પરંતુ સાંજે પાંચ વાગ્યા સુધી ફક્ત 54.85 ટકા મતદાન થયું હતું. મતદાન વહેલી સવારે સાત વાગ્યે ચાલુ કરી દેવામાં આવ્યું હતું. ગરમીને ધ્યાનમાં રાખતાં મતદારો વહેલી સવારે મતદાન માટે નીકળ્યા હતા અને બપોર પછી ઘરમાં જ રહ્યા હતા.
આ પણ વાંચો: અમિત શાહે કલમ 370 પર રાહુલ ગાંધી અને મહેબૂબા મુફ્તી પર નિશાન સાધ્યું, કહ્યું- ‘કોઈની હિંમત નથી…
ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પાંચેય કેન્દ્રોનું સરેરાશ મતદાન 54.85 ટકા હતું. નાગપુરમાં જ્યાંથી નીતિન ગડકરી ચૂંટણી લડી રહ્યા છે ત્યાં ફક્ત 47.91 ટકા મતદાન થયું હતું. આ બેઠક પરથી 26 ઉમેદવારો મેદાનમાં હોવાથી પરિણામ અંગે ભારે ઉત્કંઠા જોવા મળશે.
છ વખત વિધાનસભ્ય તરીકે ચૂંટાયેલા રાજ્યના પ્રધાન સુધીર મુનગંટીવાર જ્યાંથી ચૂંટણી લડી રહ્યા છે તે ચંદ્રપુરની બેઠક પર 55.11 ટકા મતદાન થયું હતું. નક્સલવાદ પ્રભાવી ગઢચિરોલી-ચિમુરની બેઠક પર રાજ્યમાં સૌથી વધુ 64.95 ટકા મતદાન સાંજે પાંચ વાગ્યા સુધી નોંધાયું હતું.
આ પણ વાંચો: PM મોદીના રાહુલ ગાંધી પર પ્રહાર, કહ્યું, ‘કોંગ્રેસના શહઝાદાને વાયનાડમાં… ‘
કેન્દ્રીય પ્રધાન પ્રફુલ્લ પટેલથી જાણીતી ભંડારા-ગોંદિયા બેઠક પર 56.87 ટકા મતદાન થયું હતું, જ્યારે રામટેકની અનામત બેઠક પર 52.38 ટકા મતદારોએ પોતાના અધિકારનો ઉપયોગ કર્યો હતો.