છરીથી હુમલો કરી પડોશીની હત્યા કરવાના કેસમાં આરોપીને જનમટીપ
થાણે: નજીવી બાબતમાં છરીથી હુમલો કરી પડોશીની હત્યા અને તેની પત્નીને ઇજા પહોંચાડવાના ચાર વર્ષ અગાઉના કેસમાં થાણેની સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કારાવાસની સજા સંભળાવી હતી.
પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ જજ એસ. બી. અગ્રવાલે સોમવારે મુંબ્રાના રહેવાસી પંકજ ગલ્લા ગોઈલ (34)ને ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ કસૂરવાર ઠેરવ્યો હતો. ગોઈલને જનમટીપ અને 13,500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: બહેનના અપહરણના કાવતરાની શંકા પરથી યુવકની હત્યાનો પ્રયાસ
એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર અનિલ લાડવંજારી અને જયશ્રી કોરડેએ કોર્ટમાં જણાવ્યું હતું કે 3 મે, 2020ની રાતે મૃતક સલામ ખાન તેના ઘર નજીક આંટા મારવા નીકળ્યો હતો. તે સમયે ખાન ગોઈલની પત્ની સાથે વાતચીત કરવા રોકાયો હતો, જેનો ગોઈલે વિરોધ કરતાં બન્ને વચ્ચે ઝઘડો થયો હતો.
આ પણ વાંચો: બીડમાં ગામના સરપંચની હત્યા: શરદ પવાર જૂથના નેતા, ચાર સાથીદાર વિરુદ્ધ ગુનો
રોષે ભરાયેલો આરોપી તેના ઘરમાં ગયો હતો અને છરીને બહાર આવ્યો હતો. ઉગ્ર બોલાચાલી પછી આરોપીએ ખાન પર ઉપરાછાપરી ઘા ઝીંક્યા હતા. ગોઈલે મધ્યસ્થી કરનારી ખાનની પત્નીને પણ ઇજા પહોંચી હતી. ખાન દંપતીને પાલિકા સંચાલિત હૉસ્પિટલમાં લઈ જવાયું હતું, જ્યાં તબીબે ખાનને મૃત જાહેર કર્યો હતો.
ખટલા દરમિયાન મૃતકની પત્ની સહિત નવ સાક્ષી તપાસવામાં આવ્યા હતા.
(પીટીઆઈ)