થાણેમાં રૂ. 80.82 લાખનું ચરસ જપ્ત: દહાણુનો શખસ પકડાયો

મુંબઈ: થાણે ક્રાઇમ બ્રાન્ચે માજીવાડા જંકશન ખાતેથી રૂ 80.82 લાખની કિંમતનું ચરસ પકડી પાડીને 43 વર્ષના શખસની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ અજય પરશુરામ પાગધરે તરીકે થઇ હોઇ તે દહાણુનો રહેવાસી છે.
થાણે ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-5ના સિનિયર ઇન્સ્પેક્ટર વિકાસ ધોડકેને માહિતી મળી હતી કે થાણેના માજીવાડા જંકશન ખાતે એક શખસ ચરસ લઇને મોટરસાઇકલ પર આવવાનો છે અને ત્યાંથી તે પોતાના સાથીદાર સાથે મુંબઈમાં ચરસ વેચવા જવાનો છે. આ માહિતીને પગલે પોલીસે બુધવારે માજીવાડા જંકશન પર છટકું ગોઠવ્યું હતું.
દરમિયાન મોટરસાઇકલ પર આવેલો શખસ શંકાસ્પદ જણાતાં પોલીસે તેને રોક્યો હતો. અજય પરશુરામ નામના એ શખસની તલાશી લેવામાં આવતાં તેની પાસેથી આઠ કિલોથી વધુનું ચરસ મળી આવ્યું હતું. પોલીસે તેની પાસેથી મોબાઇલ તથા રોકડ પણ જપ્ત કરી હતી. બાદમાં અજય વિરુદ્ધ કાપુરબાવડી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી હોવાનું અધિકારીએ કહ્યું હતું.