સાકીનાકામાં રૂ. નવ કરોડનું કોકેઇન પકડાયું: બે વિદેશી નાગરિકની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સાકીનાકા વિસ્તારમાં પોલીસે કૅપ્સ્યૂલ્સમાં છુપાવેલું રૂ. નવ કરોડની કિંમતનું કોકેઇન પકડી પાડી બે વિદેશી નાગરિકની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ નાઇજીરિયાના ડેનિયલ નાયમેક (38) અને વેનેઝુએલાના જૉએલ અલેઝાન્ડ્રો વેરા રામોસ (19) તરીકે થઇ હોઇ ડેનિયલ નવી મુંબઈમાં રહેતો હતો, જ્યારે જૉએલ સાકીનાકાની હોટેલમાં રોકાયો હતો.
સાકીનાકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ શુક્રવારે મધરાતે પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે સાકીવિહાર રોડ પર કુર્લા તરફ જતા રસ્તા પરથી પસાર થનારા નાઇજીરિયન પર તેમની નજર પડી હતી. પોલીસને જોઇ નાઇજીરિયને ભાગવાનો પ્રયાસ કરતાં તેને તાબામાં લેવાયો હતો. પૂછપરછમાં તેણે પોતાનું નામ ડેનિયલ નાયમેક બતાવ્યું હતું.
પોલીસે ડેનિયલ પાસેની પ્લાસ્ટિકની થેલી તપાસતાં તેમાં કૅપ્સ્યૂલ્સ મળી આવી હતી, જેમાં તેણે રૂ. નવ કરોડની કિંમતનું કોકેઇન છુપાવ્યું હતું. પોલીસે ડ્રગ્સ જપ્ત કર્યા બાદ ડેનિયલ સામે ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી હતી. ડેનિયલને કોકેઇન જૉએલ વેરા નામના શખસે આપ્યું હોવાનું તપાસમાં જાણવા મળતાં પોલીસે તેની શોધ ચલાવી હતી અને તેને સાકીવિહાર રોડ પર આવેલી હોટેલમાંથી ઝડપી પાડ્યો હતો.