પુણેમાં દારૂના નશામાં ધૂત બસ ડ્રાઈવરે પ્રવાસીઓની સુરક્ષા જોખમમાં મૂકી કર્યું કંઈક એવું કે…
પુણેઃ પુણેમાં ફરી એક વખત સંતોષ માને પ્રકરણનું પુનરાવર્તન થયું છે અને દારૂના નશામાં ધૂત બસચાલકે પ્રવાસીઓથી ભરેલી બસ ઉલટી ચલાવી હોવાની ઘટના બની હતી. પીએમટી બસ ડ્રાઈવરે દારુ પીને વિવાદ કરીને બસ ઊંધી ચલાવીને દસ-પંદર વાહનોને અડફેટમાં લીધા હતા. ચતુઃશ્રૃંગી પોલીસે આ મામલે આરોપી બસ ડ્રાઈવર વિરુદ્ધ સદોષ મનુષ્યવધનો ગુનો નોંધ્યો છે.
પુણેના સેનાપતી બાપટ રોડ વેતાળબાબા ચોકમાં પીએમટી ચોકમાં બસ ડ્રાઈવરે દારૂ પીને દસ-પંદર ગાડીઓને અડફેટમાં લીધી હતી આ બસમાં 50 પ્રવાસીઓ પ્રવાસ કરી રહ્યા હતા અને એ સમયે જ ચોંકાવનારી ઘટના બની હતી. ચતુઃશ્રૃંગી પોલીસે આ પ્રકરણે ડ્રાઈવર નિલેશ સાવંદ સામે સદોષ મનુષ્યવધનો ગુનો નોંધ્યો છે.
ઘટના વિશે વધુ માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે શનિવારે સવારે આ ઘટના બની હતી અને આરોપી ડ્રાઈવરનું નામ નિલેશ સાવંત છે. આ ઘટના સમયે બસમાં 50 પ્રવાસીઓ હાજર હતા. એક કારચાલક સાથે નિલેશનો વિવાદ થયો હતો અને તેના કારણે ગુસ્સે ભરાયેલા ડ્રાઈવરે બસ રિવર્સ લેવાનું ચાલું કર્યું હતું. ત્યાર બાદ તેણે સ્પીડમાં બસ ચલાવી હતી. કૃષ્ણા જાધવ નામના યુવકે બસનો કાચ તોડીને એને રોકવાનો પ્રયાસ કર્યો હતો. નિલેશ આ આખા ઘટનાક્રમ દરમિયાન નશામાં હોવાનું બસમાં પ્રવાસ કરી રહેલાં પ્રવાસીઓએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે સંતોષ માને નામના બસ ડ્રાઈવરે પણ 25મી જાન્યુઆરી, 2012માં સ્વારગેટ ખાતેથી એસટીની એક બસ બહાર કાઢતી વખતે બેફામ ગાડી ચલાવી હતી. આ દરમિયાન નવના મૃત્યુ અને 37 જણને ઈજા પહોંચી હતી. આ પ્રકરણે સંતોષ માને સામે કેસ ચલાવવામાં આવ્યો હતો અને તેને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી.
સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયોમાં નિલેશ સાવંત બેફામ ગાડી રિવર્સ લઈને આસપાસના વાહનોને અડફેટે લેતો જોવા મળે છે. રસ્તા પરના રાહદારીઓએ તેને રોકવાનો પ્રયાસ કર્યો પણ કોઈને પણ પરવાહ કર્યા વિના તેણે બસ હંકાર્યે જ રાખી હતી.