મુંબઈમાં હજી પણ ૨,૦૦૦ દુકાનોના નામના પાટિયા મરાઠીમાં નથી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દુકાનોના નામના પાટિયા મરાઠી દેવનાગરી લિપીમાં લખવા માટે કોર્ટે આપેલી મુદત પૂરી થઈ છે, છતાં હજી સુધી ૧,૯૩૨ દુકાનોએ કોર્ટના આદેશનું પાલન કર્યું ન હોવાનું જણાઈ આવ્યું છે.
દુકાનોના નામ મરાઠીમાં લખ્યા છે કે નહીં તે તપાસવા માટે ૨૮ નવેમ્બરથી ૧૫ ડિસેમ્બર, ૨૦૨૩ના સમયગાળામાં કુલ ૪૨,૭૭૫ દુકાનોની મુલાકાત લેવામાં આવી છે, જેમાં ૪૦,૮૪૩ દુકાનોના નામ મરાઠીમાં લખ્યા હોવાનું જણાઈ આવ્યું છે. પરંતુ આ સમયગાળામાં જ હજી પણ ૧,૯૩૨ દુકાનોએ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ નામના બોર્ડ મરાઠીમાં લખવાની તસ્દી લીધી નથી.
મુંબઈમાં દુકાનોના નામના બોર્ડ દેવનાગરી લિપીમાં નહીં લખનારા દુકાનો અને એસ્ટાબ્લિશમેન્ટ સામે પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાલિકાની ઝુંબેશને અમુક દુકાનદારો સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે દુકાનદારોનો જ ઠપકો આપ્યો હતો અને દુકાનોના નામ મરાઠીમાં કરવા માટે મુદત આપી હતી. આ મુદત ૨૨ નવેમ્બર, ૨૦૨૩ના પૂરી થઈ હતી. ત્યારબાદ પાલિકાએ મરાઠીમાં બોર્ડ નહીં લખનારા દુકાનદારો સામે કાર્યવાહી કરવાની ઝુંબેશ હાથ ધરી હતી, તેમાં પહેલા દિવસે ૩,૨૬૯ દુકાનોની મુલાકાત લીધી હતી અને તેમાં ૩,૦૯૩ દુકાનોએ પોતાના નામના બોર્ડ મરાઠીમાં લખ્યા હોવાનું જણાયું હતું. ઝુંબેશના પહેલા દિવસે ફક્ત ૧૭૬ દુકાનોના નામ મરાઠીમાં ન હોવાનું જણાઈ આવ્યું હતું.
તો ૧૫ ડિસેમ્બરના ૨,૮૨૦ દુકાનોની મુલાકાત લેવામાં આવી હતી અને તેમાં ૨,૭૨૮ દુકાનોના મરાઠીમાં નામ હોવાનું જણાયું હતું. તો ફક્ત ૯૨ દુકાનો સામે મરાઠીમાં નામ નહીં લખવા બદલ કાર્યવાહી કરવામાં આવી હતી.
૨૮ નવેમ્બરથી ૧૫ ડિસેમ્બર, ૨૦૨૩ના સમયગાળામાં કુલ ૪૨,૭૭૮ દુકાનોની મુલાકાત લેવામાં આવી હતી, તેમાં ૪૦,૮૪૩ દુકાનોના નામ મરાઠીમાં લખેલા જણાઈ આવ્યા હતા. તો ૧,૯૩૨ દુકાનોના નામ હજી મરાઠીમાં લખ્યા નથી. આ લોકો પાસેથી નિયમ મુજબ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવવાની છે.
આ દરમિયાન થાણે મહાપાલિકા દ્વારા પણ મરાઠીમાં દુકાનો નામના બોર્ડ નહીં લગાવનારા દુકાનદારો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. થાણે પાલિકાએ ૨૮ નવેમ્બરથી અત્યાર સુધી ૧,૬૯૫ દુકાનોનો મરાઠીમાં નામનું બોર્ડ નહીં લગાવવા બદલ નોટિસ મોકલી છે, જેમાં કોપરી-નૌપાડામાં ૨૪૧, માજિવાડા-માનપાડામાં ૧૧, લોકમાન્ય નગર-સાવરકર નગરમાં ૨૦, ઉથળસરમાં ૨૧, વર્તકનગરમાં ૧૦, મુંબ્રામાં ૩૨, દિવામાં ૧૬, વાગળેમાં ૯૦, કલવામાં ૨૭ દુકાનોને નોટિસ આપવામાં આવી છે.