મહારાષ્ટ્રમાં I.N.D.I.A. ગઠબંધનને આ પાર્ટી આપી શકે છે પહેલો ઝટકો?
મુંબઈ: મહારાષ્ટ્રમાં વિપક્ષ હોય કે પછી સત્તાધારી પક્ષ પણ બંને પક્ષોના મહાગઠબંધનમાં બેઠકોની વહેંચણી બાબતે મતભેદો અને ચર્ચાઓ હજી સુધી ચાલી રહી છે અને તેમાંય વળી I.N.D.I.A. કે મહાવિકાસ આઘાડીને મોટો ફટકો પડ્યો હોવાનું જાણવા મળ્યું છે, કારણ કે પ્રકાશ આંબેડકરને બેઠકો ફાળવવાના મુદ્દે મહાવિકાસ આઘાડીમાં તિરાડ પડી છે.
મહાવિકાસ આઘાડી (એમવીએ)ના પક્ષો પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન આઘાડીને રિઝવવામાં નિષ્ફળ થયા હોવાનું હાલમાં જ મળેલા અહેવાલ પરથી જાણવા મળ્યું છે. પહેલાથી જ પ્રકાશ આંબેડકર મહાવિકાસ આઘાડીમાં બેઠકોની વહેંચણી બાબતે નારાજ હોવાનું જાણવા મળ્યું હતું અને તેમણે 26 માર્ચ સુધીનું અલ્ટિમેટમ પણ આપ્યું હતું.
આપણ વાંચો: ‘I.N.D.I.A.’ ગઠબંધન મહારાષ્ટ્રમાં ‘પાસ’, આ કોકડું ઉકેલાયું, જાણો મોટો ન્યૂઝ?
આ અલ્ટિમેટમ પૂરું થઇ ગયું હોવા છતાં હજી સુધી પ્રકાશ આંબેડકર સાથે વાતચીતનો ઉકેલ ન આવ્યો હોવાનું કહેવાય છે. જેથી, પ્રકાશ આંબેડકર ‘I.N.D.I.A. ગઢબંધન સાથે છેડો ફાડે અને પોતે અકોલા બેઠક ઉપરથી ચૂંટણી લડે તેવી શક્યતા છે.
મહાવિકાસ આઘાડીના નેતાઓનું કહેવું છે કે તેમણે પ્રકાશ આંબેડકરના પક્ષ માટે ચાર બેઠકો આપવાનો નિર્ણય લીધો છે. જોકે, ફક્ત ચાર બેઠકો મેળવીને પ્રકાશ આંબેડકર સંતુષ્ટ નથી અને તે વધારે બેઠકો ઉપરથી લડવા માગે છે. આવી સ્થિતિમાં આંબેડકર મહાવિકાસ આઘાડીથી છેડો ફાડીને એકલહથ્થે ચૂંટણી લડે તેવી શક્યતા છે.
પ્રકાશ આંબેડકરે આ વિશે કહ્યું છે કે અમારે જે ફેંસલો કરવાનો છે તે અમે કરી ચૂક્યા છીએ અને હવે આ વિના કારણની વાતોમાં અમને કોઇ રસ નથી. હું 27 તારીખે મારું ફોર્મ ભરવા જઇ રહ્યો છું અને આ 26 માર્ચનો દિવસ એ મહાવિકાસ આઘાડી માટે અંતિમ દિવસ હશે.