ઘાટકોપરમાં ટેમ્પોચાલકની મારપીટ કરી રૂપિયા પડાવ્યા: ચાર આરોપી ઝડપાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઘાટકોપર વિસ્તારમાં આંબેડકર જયંતીને નામે ફાળો માગ્યા બાદ ટેમ્પોચાલક અને તેના સાથીદારની મારપીટ કરી રૂપિયા પડાવવા અને ધમકી આપવા બદલ પંતનગર પોલીસે ચાર જણની ધરપકડ કરી હતી. આરોપીઓની ઓળખ વૃષભ ઉર્ફે વરુણ ગજાનન અહિરે, સૂરજ ખેરવાર, સાહિલ પઠારે અને રાહુલ બત્રા તરીકે થઇ હોઇ અદાલતે તેમને 29 એપ્રિલ સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પંતનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ વિલાસ ગાયકવાડે જણાવ્યું હતું કે આરોપી વૃષભ ઉર્ફે વરુણ, રાહુલ અને સાહિલ વિરુદ્ધ ગુના દાખલ છે. આરોપી વૃષભને તાજેતરમાં આઠ મહિના માટે તડીપાર કરવાનો આદેશ અપાયો હતો.
વિક્રોલીમાં રહેતો વકીલ અહમદ હાશમી ગુરુવારે ઇલેક્ટ્રોનિક સામાનની ડિલિવરી કરવા ટેમ્પોમાં જઇ રહ્યો હતો ત્યારે સમતા જિમખાના નજીક આરોપીઓ આવ્યા હતા અને તેમણે આંબેડકર જયંતીને નામે ફાળો માગ્યો હતો. બાદમાં એક આરોપીએ હાશમીની મારપીટ કરી હતી અને રૂપિયા પડાવ્યા હતા.
બાદમાં હાશમીના સાથીદાર અભિષેક કદમ તથા ઇલેક્ટ્રોનિક સામાન લેવા આવેલા ઓમકાર કાળેને પણ તેમણે માર માર્યો હતો. એ સમયે મદદ માટે એકઠા થયેલા લોકોને પણ આરોેપીઓએ ધમકાવ્યા હતા. આ ઘટના બાદ હાશમીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં ગુનો દાખલ કરાયો હતો અને આરોપીઓને રમાબાઇ આંબેડકર નગરથી ઝડપી પાડવામાં આવ્યા હતા.