આમચી મુંબઈ

બે મહિનામાં મુંબઈને ચકાચક કરવાનો સુધરાઈનો નિર્ધાર

થાણેમાં પણ હવે સ્વચ્છતા ઝુંબેશનો પ્રારંભ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા મોટા પાયા પર ‘ડીપ ક્લીન’ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જે હેઠળ આગામી બે મહિનાની અંદર મુંબઈને કચરામુક્ત ચકાચક કરવાનો નિર્ધાર મુંબઈ મહાનગરપાલિકા પ્રશાસને લીધો છે, તો મુંબઈ બાદ હવે મુખ્ય પ્રધાને પોતાના હોમગ્રાઉન્ડ થાણેમાં ૩૦ નવેમ્બરથી ‘ડીપ ક્લીન’ઝુંબેશનો આરંભ કરવાની જાહેરાત કરી છે.

મુખ્ય પ્રધાને મુંબઈમાં ‘ડીપ ક્લીન’ ઝુંબેશને લોન્ચ કર્યા બાદ મુંબઈના જુદા જુદા વિસ્તારમાં વોર્ડ સ્તરે મોટા પ્રમાણમાં રસ્તા,નાળા, ગટરો, ફૂટપાથોને સાફ કરવાનું અને પાણીથી ધોવાનું કામ ચાલી રહ્યું છે. સાર્વજનિક શૌચાલય સાફ કરવાનું પણ હાથ ધરવામાં આવ્યું છે. રસ્તાની સફાઈની સાથે જ ઈસ્ટર્ન,વેસ્ટર્ન હાઈવે, સાયન-પનવેલ હાઈવેની સફાઈની સાથે જ તેના પર કાટમાળ ફેંકનારા સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.

મુંબઈ મહાનગરપાલિકાના એડિશનલ કમિશનર સુધાકર શિંદેએ જણાવ્યું હતું કે આગામી બે મહિનામાં મુંબઈને બે મહિમાં સ્વચ્છ અને ચકાચક કરી નાખવાનો નિર્ધાર કર્યો છે. મુંબઈની ૬૦ટકાથી પણ વધુ વસતી ઝૂંપડપટ્ટીમાં રહે છે, તેથી ઝૂંપડપટ્ટીની સફાઈ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ઝૂંપડપટ્ટીમાં ઠેર-ઠેર કચરો પડી ના રહે તે માટે એક જ કૉન્ટ્રેકટરને નાળા, ગટર સાફ કરવાની સાથે જ ઘર-ઘર જઈને કચરો ઊંચકવાનું કામ પણ આપવામાં આવવાનું છે.

બે મહિનામાં મુંબઈ ચકાચક થવાનું છે ત્યારે મુંબઈના પડોશી થાણે શહેરમાં પણ મુખ્ય પ્રધાન ૩૦ નવેમ્બરથી ‘ડીપ ક્લીન’ ઝુંબેશ આરંભ કરવાના છે. ૩૦ નવેમ્બરથી ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૪ સુધી થાણે મહાનગરપાલિકાની હદમાં આ ઝુંબેશ હેઠળ સફાઈ કરવામાં આવશે. થાણે પાલિકા પ્રશાસને આગામી દિવસોમાં થાણે શહેરી કાયાપલટ કરવાની જાહેરાત કરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button