મુંબઈગરા માટે મહત્ત્વના સમાચારઃ મંગળવારના એક દિવસ પૂરતો મુંબઈમાં ૧૫ ટકા પાણીકાપ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં મંગળવાર, ૧૯ માર્ચના એક દિવસ પૂરતો ૧૫ ટકા પાણીકાપ મૂકવામાં આવ્યો છે, તેથી નાગરિકોને પાણી સંભાળીને વાપરવાની અપીલ BMC એ કરી છે.
BMCના પાણીપુરવઠા વિભાગના જણાવ્યા મુજબ પિસેમાં આવેલા બંધ પરના ગેટના ૩૨માંથી એક રબર બ્લાડરમાં શનિવાર, ૧૬ માર્ચ, ૨૦૨૪ના અચાનક સમસ્યા સર્જાઈ હતી અને પાણીનું ગળતર ચાલુ થઈ ગયું હતું. તેથી આ બ્લાડરનું સમારકામ કરવા માટે પિસેમાં પાણીની સપાટી ૩૧ મીટર સુધી નીચે લાવવા માટે ભાતસા બંંધમાંથી આવતા પાણીપુરવઠાને નિયંત્રણમાં લાવવામાં આવ્યું હતું. ત્યારબાદ રબર બ્લાડરનું સમારકામ સોમવાર, ૧૮ માર્ચ, ૨૦૨૪ના હાથ ધરવામાં આવ્યું હતું. આ કામ સોમવાર સવારના આઠ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધીમાં યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું હતું.
ભાતસા બંધમાંથી ફરી પાણી ચાલુ કરવામાં આવ્યું હતું. પરંતુ બંધના પાણીની સપાટી પૂર્વવત લાવવા માટે સમય લાગવાનો હોવાથી મંગળવાર, ૧૯ માર્ચ, ૨૦૨૪ના એક દિવસ માટે સમગ્રમુંબઈમાં ૧૫ ટકા પાણીકાપ મૂકવામાં આવ્યો છે.