આમચી મુંબઈમહારાષ્ટ્ર

Important Announcement: ધારાવીવાસીઓને મુલુંડમાં નહીં ધકેલાયઃ ફડણવીસ

સમુદ્રી સુરક્ષા વધુ મજબૂત કરાશે, બેસ્ટની ભરતી પણ યોજાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસું સત્રમાં ગુરુવારની કામગિરી દરમિયાન અનેક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી અનેક મહત્ત્વની જાહેરાતો પણ કરવામાં આવી હતી. જેમાં બેસ્ટમાં ખાલી રહેલા પદો પર ભરતી પ્રક્રિયા, ટેન્કર દ્વારા પાણી પુરવઠો પૂરો પાડવા, સમુદ્રી સુરક્ષા માટે પોલીસ દળને વધુ મજબૂત બનાવવા, ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજના ઝડપી ગતિએ પાર પાડવા જેવી જાહેરાતોનો સમાવેશ થાય છે.

સૌથી મહત્ત્વનો મુદ્દો ધારાવીના પુનર્વસનનો ઉઠાવવામાં આવ્યો હતો. ધારાવીના રહેવાસીઓને પુનર્વસન બાદ મુલુંડમાં રહેવાની જગ્યા આપવામાં આવશે તે મુદ્દો ભૂતકાળમાં મોટો હોબાળો મચ્યો હતો. જોકે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ધારાવીવાસીઓનું પુનર્વસન મુલુંડમાં નહીં કરવામાં આવે, તેવું આશ્વાસન વિધાનસભામાં આપ્યું હતું. નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે પણ રાજ્યમાં પાણી પુરવઠાની સમસ્યા અંગે ધ્યાન દોરતા જણાવ્યું હતું કે રાજ્યમાં કોઇપણ ક્ષેત્રમાં પાણીની અછત નહીં થવા દેવાય. પાણી પુરવઠો પૂરો ન પડતો હોય તેવા વિસ્તારોમાં ટેન્કર દ્વારા સરકાર પાણી પુરવઠો પૂરો પાડશે.

આ પણ વાંચો : મધ્યાહ્ન ભોજનમાંથી મળ્યો મૃત સાપ: વિધાનસભામાં પડઘા પડ્યા

આ ઉપરાંત સ્લમ રિડેવલપમેન્ટ ઓથોરિટી(ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજના)ના ઘર વેંચવા માટેની શરતો ગળવી કરવામાં આવી હોઇ હવેથી ઓનલાઇન એનઓસી મળી શકશે, તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી. મુંબઈમાં અટકી પડેલા એસઆરએના પ્રોજેક્ટનું કામ ઝડપી ગતિએ પૂરું થાય એ માટે પણ મુખ્ય પ્રધાનના સ્તરે યોજના તૈયાર કરવામાં આવી છે અને તેની અમલબજાવણી ટૂંક સમયમાં કરવામાં આવશે, તેવી માહિતી ગૃહનિર્માણ ખાતાના પ્રધાન અતુલ સાવેએ આપી હતી.

પુણેમાં રાજ્ય સરકાર દ્વારા કેન્સરના દર્દીઓની સારવાર માટે વિશેષ કેન્સર હોસ્પિટલ બનાવવામાં આવશે, તેવી જાહેરાત પણ વિધાનસભામાં મેડિકલ એજ્યુકેશન ખાતાના પ્રધાન હસન મુશ્રીફ દ્વારા કરવામાં આવી હતી. આઇઆઇટીમાં પછાત વર્ગના વિદ્યાર્થીઓના ખાતામાં પ્રશિક્ષણનો ખર્ચ પણ જમા કરવામાં આવશે, તેમ અતુલ સાવેએ જણાવ્યું હતું. આ સિવાય રાજ્ય અને મુંબઈના સમુદ્રસીમાની સુરક્ષા માટે પોલીસદળમાં વિશેષ ભરતી કરવામાં આવશે, તેમ રાજ્યના ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button