થાણેમાં છ ફૂટની ગણેશ મૂર્તિઓનું વિસર્જન ફક્ત કૃત્રિમ તળાવોમાં જ:

(અમારા પ્રતિનિધી તરફથી)
થાણે: મુંબઈ હાઈકોર્ટના આદેશ મુજબ, છ ફૂટ સુધીની બધી ગણેશ મૂર્તિઓનું વિસર્જન ફક્ત કૃત્રિમ તળાવોમાં જ કરવામાં આવશે. જ્યારે, છ ફૂટથી ઊંચી મૂર્તિઓનું કુદરતી જળાશયોમાં વિસર્જન કરી શકાશે.તે માટે કૃત્રિમ તળાવો અને મોબાઇલ વિસર્જન ની સુવિધામાં વધારો કરવામાં આવ્યો હોવાનું થાણે પાલિકાએ જણાવ્યું હતું.
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને ગયા વર્ષ કરતાં દોઢ ગણી વધુ વિસર્જન વ્યવસ્થા કરી છે અને ગ્રીન વિસર્જન એપ પણ તૈયાર કરવામાં આવી છે, એમ થાણે પાલિકા કમિશનર સૌરભ રાવે જણાવ્યું હતું.
કમિશનર સૌરભ રાવે પણ નાગરિકોને અપીલ કરી છે કે ગણેશભક્તોને કોઈ અસુવિધા ન થાય તેનું ધ્યાન રાખીને ભગવાન ગણેશના આશીર્વાદથી ઉત્સવ ઉજવવામાં આવશે.
આ વર્ષે કુલ ૧૩૪ સ્થળોએ વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં ૨૩ કૃત્રિમ તળાવો, ૭૭ ટેન્ક વિસર્જન સિસ્ટમ, , ૧૫ મોબાઇલ વિસર્જન કેન્દ્રો, ૦૯ ખાડી ઘાટ વિસર્જન સિસ્ટમ અને ૧૦ મૂર્તિ સ્વીકાર કેન્દ્રો શામેલ છે. કમિશનરે એમ પણ ઉલ્લેખ કર્યો છે કે ખાડી ઘાટ પર ફક્ત છ ફૂટથી ઉપરની ગણેશ મૂર્તિઓનું જ વિસર્જન કરવામાં આવશે.
આ પણ વાંચો…ગણેશોત્સવ દરમિયાન કોંકણ જતા ભાવિકોને ટોલ માફી: એકનાથ શિંદે