ભિવંડીમાં ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જનો પર્દાફાશ: એકની ધરપકડ
નવ સિમબોક્સ, 246 સિમ કાર્ડ, 191 એન્ટેના જપ્ત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર એન્ટિ ટેરરિઝમ સ્કવોડ (એટીએસ)ની ટીમે ભિવંડીમાં બે સ્થળે ચાલતા ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જનો પર્દાફાશ કરીને 40 વર્ષના શખસને પકડી પાડ્યો હતો. પોલીસ ટીમે બંને સ્થળેથી નવ સિમબોક્સ, 246 સિમ કાર્ડ, 191 એન્ટેના તેમ જ અન્ય સાહિત્ય જપ્ત કર્યું હોઇ છેલ્લાં દોઢ વર્ષથી ચાલી રહેલા ટેલિફોન એક્સચેન્જને કારણે ભારત સરકારના ટેલિકમ્યુનિકેશન વિભાગને રૂ. ત્રણ કરોડનું નુકસાન થયું છે.
ભિવંડીમાં સિમબોક્સની મદદથી ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જ ચલાવવામાં આવી રહ્યું હોવાની માહિતી એટીએસના અધિકારીઓને મળી હતી. આથી બુધવારે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન (ડીઓટી)ના અધિકારી સાથે મળીને એટીએસની ટીમે ભિવંડીના ન્યૂ ગૌરીપાડા તથા રોશનબાગ ખાતે રેઇડ પાડી હતી, જ્યાં ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જ ચાલી રહ્યું હતું.
પોલીસે ત્યાંથી જાફર બાબુ ઉસ્માન પટેલ (40)ને તાબામાં લીધો હતો, જે પૈસા કમાવાના ઉદ્દેશથી તેના સાથીઓ સાથે મળી ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જ ચલાવી રહ્યો હતો, જેનાથી આંતરરાષ્ટ્રીય કૉલ્સ રૂટ થઇ શકે અને તેને સ્થાનિક કૉલ તરીકે દેખાડી શકાય.
દરમિયાન જાફર પટેલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા, ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ, ટેલિકમ્યુનિકેશન એક્ટ અને ઇન્ડિયન વાયરલેસ ટેલિગ્રાફી એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી, એમ અધિકારીએ કહ્યું હતું.