
થાણા: નવી મુંબઈના ખારઘરમાં ટાટા મેમોરિયલ સેન્ટરના અધિકારીઓએ મહારાષ્ટ્ર સરકારને પત્ર લખીને આરોપ મૂક્યો છે કે તેમની હોસ્પિટલ નજીક એક ટેકરી પર આડેધડ અને ગેરકાયદેસર ખાણકામથી તેમની ઈમારતને નુકસાન થયું છે એટલું જ નહીં, દર્દીઓના જીવ સામે જોખમ ઊભું થયું છે.
ટાટા મેમોરિયલ સેન્ટર તરીકે ઓળખાતા એડવાન્સ સેન્ટર ફોર ટ્રીટમેન્ટ, રિસર્ચ એન્ડ એજ્યુકેશન ઈન કેન્સર (એસીટીઆરસી)ના ડિરેક્ટર ડો.પંકજ ચતુર્વેદીએ 10 જુલાઈએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને લખેલા પત્રમાં આ મુદ્દો ઉઠાવ્યો છે.
આ પણ વાંચો: ગેરકાયદેસર ખાણકામ બદલ મેઘા એન્જિનિયરિંગને 94 કરોડ રૂપિયાનો દંડ
પત્રમાં જણાવવામાં આવ્યું છે કે ‘હું ખારઘરમાં ટાટા મેમોરિયલ સેન્ટર-એસીટીઆરસીને અડીને આવેલા ગેરકાયદે પથ્થરની ખાણને કારણે વધતા જતા અવાજ અને ધૂળના પ્રદૂષણ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરવા પત્ર લખી રહ્યો છું. કેન્સરની સારવાર આપતી અમારી હોસ્પિટલ નજીકની ટેકરી પર ખોદકામ કરવામાં આવેલા અનેક ખાડાઓ અને હરિયાળીના નાશને કારણે ગંભીર અસર થઈ છે. વિસ્ફોટકો સાથે બ્લાસ્ટિંગ અને ત્યારબાદ તીવ્રતાથી થતા ડ્રિલિંગને કારણે થતો જોરદાર અવાજ અને ઝેરી ધૂળના વાદળો દર્દીઓના આરોગ્ય અને આપણા નાજુક વાતાવરણ બંનેને જોખમમાં મૂકે છે.’
ડો. ચતુર્વેદીએ એમ પણ જણાવ્યું છે કે ‘અમે આ વિનાશક ઉત્ખનન પદ્ધતિઓને રોકવા માટે તમારા તાત્કાલિક હસ્તક્ષેપની વિનંતી કરીએ છીએ. કેન્સરના દર્દીઓના સ્વાસ્થ્ય અને જીવનનું રક્ષણ કરવું, જૈવવિવિધતાનું જતન કરવું અને ઇકો-સેન્સિટિવ ઝોનની અખંડિતતા જાળવવી એ સામૂહિક પ્રાથમિકતા હોવી જોઈએ.’ (પીટીઆઈ)