ગેરકાયદે રોહિંગ્યા વસાહતીએ પુણેમાં જમીન ખરીદી, ઘર બાંધ્યું: પોલીસ…
પુણે: ભારતમાં ગેરકાયદે વસવાટ કરવા બદલ આ વર્ષે ધરપકડ કરાયેલા મ્યાનમારના રોહિંગ્યા વસાહતીએ પુણેમાં જમીન ખરીદી હતી અને પોતાના પરિવાર માટે ઘર બાંધ્યું હતું, એવું તપાસમાં જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો : બંધારણનું અપમાન કરવા મુદ્દે મહારાષ્ટ્રના પરભણીમાં ફાટી નીકળી હિંસા, તોડફોડના બનાવ…
જુલાઇ, 2024માં પિંપરી-ચિંચવડ પોલીસે બે રોહિંગ્યા દંપતીને દેશમાં ગેરકાયદે પ્રવેશ કરવા અને રહેવા બદલ પકડી પાડ્યાં હતાં.
તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે આમાંના મુઝમ્મીલ ખાને (45) દેહુ રોડ વિસ્તારમાં 80 હજાર રૂપિયામાં નાનો પ્લોટ ખરીદ્યો હતો અને સુપારી વેચવાના વ્યવસાયથી કમાયેલા રૂપિયાથી ત્યાં ઘર બાંધ્યું હતું.
મુઝમ્મીલ અને તેની પત્નીએ ભારતીય પાસપોર્ટ ઉપરાંત આધાર કાર્ડ અને પેન કાર્ડ પણ બનાવ્યાં હતાં. તેઓ આ વિસ્તારમાં 2013થી રહેતા હતા.
મુઝમ્મીલે પોલીસને જણાવ્યું હતું કે તે 2012માં તેના પરિવાર સાથે મ્યાનમારથી ભાગી છૂટ્યો હતો અને તેણે ગેરકાયદે રીતે સરહદ પાર કરીને પશ્ર્ચિમ બંગાળમાં પ્રવેશતા પહેલા બાંગ્લાદેશમાં રેફ્યુજી કેમ્પમાં આશ્રય લીધો હતો.
પુણે આવ્યા બાદ તે કંપનીમાં કામ કરવા લાગ્યો હતો અને બાદમાં સુપારીનો વ્યવસાય શરૂ કર્યો હતો. દંપતીએ ભિવંડીથી આધાર કાર્ડ અને પેન કાર્ડ બનાવડાવ્યાં હતાં.
પુણેમાં જમીન કાંબળે નામની મહિલા પાસેથી કાયદેસરના દસ્તાવેજો વિના ખરીદવામાં આવી હતી અને અધિકૃત જમીનના રેકોર્ડમાં આ વ્યવહારનો કોઇ રેકોર્ડ નથી.
મુઝમ્મીલે પોતાના માટે, પત્ની અને સંતાનો માટે ભારતીય પાસપોર્ટ મેળવ્યા હતા અને તે મક્કા જવાની યોજના બનાવી રહ્યો હતો.
તેણે મ્યાનમારમાં મૌલાના અથવા મૌલવી તરીકે તાલીમ લીધી હોવા છતાં તેણે પુણેમાં વસવાટ સમયે આ તાલીમનો ઉપયોગ કર્યો હોય એવું લાગતું નથી, એમ પોલીસે કહ્યું હતું.
ઇસ્માઇલ ઉર્ફે શાહીદ શેખ નામના રોહિંગ્યાની ધરપકડ કરવામાં આવ્યા બાદ મુઝમ્મીલ અને તેની પત્ની પકડાઇ ગયાં હતાં. ઇસ્માઇલ તેની પત્ની સાથે ભારતમાં ગેરકાયદે પ્રવેશ્યો હોવાની પોલીસને શંકા છે.
આ પણ વાંચો : રામગીરી મહારાજે બાંગ્લાદેશી હિંદુઓની સુરક્ષા માટે કેન્દ્રીય હસ્તક્ષેપની હાકલ કરી…
બંને દંપતી વિરુદ્ધ ફોરેનર્સ એક્ટ અને પાસપોર્ટ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો હતો. આ કેસમાં આરોપનામું દાખલ કરવામાં આવ્યું હતું અને આરોપીઓ હાલ જામીન પર મુક્ત છે. સત્તાવાળાઓએ તેમના પાસપોર્ટ રદ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. (પીટીઆઇ)