આમચી મુંબઈ

કાલા ઘોડામાં ગેરકાયદે રીતે પાર્કિંગ ચાર્જ વધુ વસૂલ કરનારા કૉન્ટ્રેક્ટરનું સ્ટીંગ ઓપરેશન

કૉન્ટ્રેક્ટરને બ્લેક લિસ્ટ કરાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: કાલા ઘોડા પરિસરમાં નક્કી કરવામાં આવેલી પાર્કિંગ ફી કરતા વધુ ફી વસૂલ કરનારા સંસ્થા સામે મુંબઈ મહાનગરપાલિકાએ દંડાત્મક કાર્યવાહી કરી છે. તેમ જ વાહનચાલકો પાસેથી ગેરકાયદે રીતે વધુ પાર્કિંગ ફી લેનારી સંસ્થાા કર્મચારી વિરુદ્ધમાં પોલીસમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે. એટલું જ નહીં પણ સંબંધિત સંસ્થાને બ્લેક લિસ્ટ કરવાની પ્રક્રિયા પણ સુધરાઈએ હાથ ધરી છે.

મુંબઈ મહાનગરપાલિકાના ‘એ’ વોર્ડમાં કાલા ઘોડા પરિસરમાં જહાંગીર આર્ટ ગૅલરી અને વી.બી ગાંધી માર્ગ પાસે કુલ ૧૦૦ ફોરવ્હીલર તેમ જ ૪૫ ટુ વ્હીલર વાહનો માટેના પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. પાર્કિંગ ફી વસૂલ કરવાનું કામ ખાનગી સંસ્થાને સોંપવામાં આવ્યું છે. ટુ વ્હીલર માટે પ્રતિ કલાકના ૨૦ રૂપિયા અને ફોર વ્હીલર માટે પ્રતિ કલાકના ૭૦ રૂપિયાની પાર્કિંગ ફી નક્કી કરવામાં આવી છે. છતાં પાલિકાએ કૉન્ટ્રેક્ટમાં નક્કી કરેલી ફી કરતા આ સંસ્થાનો પ્રતિનિધિ વધુ ફી વસૂલ કરતો હોવાની ફરિયાદ આવી હતી.

વાહનચાલકો પાસેથી વધુ ફી વસૂલ કરતા હોવાની ફરિયાદ બાદ સુધરાઈના ‘એ’વોર્ડના આસિસ્ટન્ટ કમિશનર જયદીપ મોરેના નેતૃત્વમાં પ્લાનિંગ કરવામાં આવ્યું હતું, જે હેઠળ કર્મચારીને રંગે હાથે પકડવા માટે કાલા ઘોડા પરિસરમાં સ્ટીંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું. અન્ય ડિપાર્ટમેન્ટના અધિકારી અને કર્મચારીએ પોતાની ઓળખ છુપાવીને ખાનગી વાહન પાર્ક કરવા જઈને આખું સ્ટીંગ ઓપરેશન પાર પાડયું હતું. આ સંસ્થાનો કર્મચારી ફોર વ્હીલર પાસેથી પ્રતિ કલાકના ૭૦ રૂપિયાને બદલે ૧૫૦ રૂપિયાની ફી વસૂલ કરતો હોવાનું જણાઈ આવ્યું હતું. તેમ જ પાલિકાએ બેસાડેલા ‘નો પાર્કિંગ’ના બોર્ડને ઢાંકીને ત્યાં આ સંસ્થા દ્વારા વાહનો પાર્ક કરાવવામાં આવતા હતા. એટલું જ નહીં પણ આ સંસ્થાના કર્મચારી પાસે તેની કંપનીનો આઈ-કાર્ડ કે યુનિફોર્મ પણ નહોતો.

સ્ટીંગ ઓપરેશન બાદ પાલિકાના ‘એ’વોર્ડ દ્વારા નવ મેના આ સંસ્થાને કારણદર્શાવો નોટિસ ફટકારવામાં આવી હતી. તેમ જ નક્કી કરેલા દર કરતા વધુ પૈસા પાર્કિંગ માટે વસૂલ કરવા બદ્લ તેને ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. તેમ જ નો પાર્કિંગની જગ્યા પર વાહનો પાર્ક કરવા દેવા બદલ તેને ૪,૦૦૦ રૂપિયાનો દંડ અને તેનો કર્મચારી યુનિફોર્મમાં ન હોવા માટે વધારાનો ૧,૦૦૦ રૂપિયાનો એમ કુલ ૧૫,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમ જ સંસ્થાના પ્રતિનિધિ સામે માતા રમાબાઈ માર્ગ પોલી સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવામાં આવી હતી.

મુંબઈના કોઈ પણ પાર્કિંગ પ્લોટમાં પાલિકાએ નક્કી કરેલી રકમ કરતા વધુ ફી વસૂલ કરવામાં આવતી હોય તે બાબતે પાલિકાને ફરિયાદ કરવાની અપીલ પણ કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button