ગેરકાયદે ઑનલાઈન ફોરેક્સ ટ્રેડિંગ કેસમાં સાત સ્થળે ઈડીની સર્ચ
વાંધાજનક દસ્તાવેજો અને ડિજિટલ ડિવાઈસીસ જપ્ત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગેરકાયદે ઑનલાઈન ફોરેક્સ ટ્રેડિંગના ઈન્ટરનૅશનલ બ્રોકર્સ ઓક્ટાએફએક્સ ટ્રેડિંગ ઍપ અને તેની વેબસાઈટ વિરુદ્ધ ચાલી રહેલી તપાસના ભાગ રૂપે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)ની મુંબઈ ઝોનલ ઑફિસે પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ ઍક્ટ (પીએમએલએ) હેઠળ સાત સ્થળે સર્ચ હાથ ધરી હતી. સર્ચ દરમિયાન વિવિધ વાંધાજનક દસ્તાવેજો અને ડિજિટલ ડિવાઈસીસ જપ્ત કરવામાં આવ્યા હતા.
ઈડીના અધિકારીના જણાવ્યા મુજબ મુંબઈ, દિલ્હી, ચેન્નઈ અને ગુરગાંવમાં સાત સ્થળે સર્ચ કરવામાં આવી હતી. પુણેના શિવાજી નગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એફઆઈઆરને આધારે ઈડી દ્વારા મની લોન્ડરિંગની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: આત્મહત્યા પહેલા પત્ની અને દીકરાને પણ ઝેર આપ્યું! પ્રાથમિક કારણ ફોરેક્સ ટ્રેડિંગમાં…
ફોરેક્સ ટ્રેડિંગ પ્લૅટફોર્મ ઓક્ટાએફએક્સ મારફત ઊંચા વળતરનાં ખોટાં વચનો આપી આરોપીઓએ રોકાણકારો પાસેથી નાણાં પડાવ્યાં હોવા પ્રકરણે શિવાજી નગર પોલીસે ગુનો નોંધ્યો હતો. આ કંપની આરબીઆઈની માન્યતા વગર ભારતમાં કામકાજ કરતી હતી અને એક વર્ષથી ઓછા સમયગાળામાં ફોરેક્સ ટ્રેડિંગને નામે રોકાણકારો પાસેથી 800 કરોડથી વધુ રૂપિયા મેળવ્યા હતા, એવું ઈડીની તપાસમાં જણાયું હતું.
અત્યાર સુધી ઈડીએ કંપનીની 160.8 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી, જેમાં સ્પેનની મિલકતનો પણ સમાવેશ થાય છે. આ પ્રકરણે બે ફોજદારી ફરિયાદ નોંધવામાં આવી છે. આ પ્રકરણે વધુ તપાસ ચાલી રહી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.