કલ્યાણ-ડોમ્બીવલીમાં 58 ગેરકાયદે ઈમારતો તોડી પાડવા પાલિકાની ઝુંબેશ

થાણા: મહારાષ્ટ્રના થાણા જિલ્લાની પાલિકાએ 58 ઈમારતના બાંધકામ અને રજિસ્ટ્રેશનમાં ગેરરીતિને કારણે તેને તોડી પાડવાની ઝુંબેશ હાથ ધરી હોવાનું એક અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું. કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન (કેડીએમસી)એ એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે બોમ્બે હાઈકોર્ટ દ્વારા બાંધકામોને ગેરકાયદેસર જાહેર કરવામાં આવેલો આદેશ આ ઝુંબેશથી અમલમાં મુકવામાં આવે છે.
અદાલતમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં 58 ઈમારતની માન્યતા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ ઈમારતો સબબે વિસંગતતાઓ, નકલી દસ્તાવેજો અને રજિસ્ટ્રેશનમાં ઉલ્લંઘનના આક્ષેપો કરવામાં આવ્યા હોવાની રજૂઆત કરવામાં આવી હતી. ઈમારતો તોડી પાડવાનું કામ આગામી ત્રણ મહિનામાં પૂર્ણ થવાની સંભાવના હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં વિપક્ષના નેતા પદને લઈને મહા વિકાસ આઘાડીમાં પડી ફૂટ?
વધુ જાણકારી આપતા અધિકારીએ કહ્યું હતું કે 58 ઈમારતમાંથી છ પૂર્ણપણે જ્યારે ચાર આંશિક રીતે તોડી પાડવામાં આવી છે. આ ઈમારતોમાં આશરે 6 હજાર 500 રહેવાસ છે અને આ પ્રોપર્ટી કાયદેસર છે એવું ઠસાવી બિલ્ડરોએ છેતર્યા હોવાનો આરોપ ઘણા લોકોએ કર્યો છે. કમિશનર ડો.ઇન્દુરાણી જાખડે ખાતરી આપી છે કે પાલિકા અસરગ્રસ્ત ઇમારતોને તોડી પાડવા અને કાયદેસર રીતે નિયમિત કરવા અંગે બોમ્બે હાઇકોર્ટમાં કમ્પ્લાયન્સ રિપોર્ટ સુપરત કરશે. (પીટીઆઈ)