આમચી મુંબઈ

આઈઆઈસીટી સાથે સહયોગ કરવા માટે વૈશ્ર્વિક કંપનીઓમાં ભારે રસ: વૈષ્ણવ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે શનિવારે જણાવ્યું હતું કે, દેશના યુવાનોમાં સર્જનાત્મક ઉર્જાનો ઉપયોગ કરવા માટે વૈશ્ર્વિક કંપનીઓ નવી જાહેર કરાયેલી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેકનોલોજી (આઈઆઈસીટી) સાથે કામ કરવા આતુર છે.

માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાને આ ટિપ્પણીઓ સાત અગ્રણી કંપનીઓ – જિયોસ્ટાર, ગૂગલ, અડોબ, મેટા, એપલ, એનવિડિયા અને માઈક્રોસોફ્ટે અહીં વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ (વેવ્ઝ) દરમિયાન આઈઆઈસીટી સાથે લેટર ઓફ ઇન્ટેન્ટની આપ-લે કર્યા બાદ કરી હતી.

આપણ વાંચો: સ્ટારલિંકના કારણે ભારતીય રેલ્વેને ફાયદો થશે, IT મંત્રી અશ્વિની વૈષ્ણવે વ્યક્ત કર્યો વિશ્વાસ…

વૈષ્ણવ અને કેન્દ્રીય માહિતી અને પ્રસારણ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન એલ. મુરુગનની હાજરીમાં ઇરાદા પત્રોની આપ-લે કરવામાં આવી હતી. વૈષ્ણવે જણાવ્યું હતું કે સંસ્થા એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ, કોમિક્સ અને એક્સટેન્ડેડ રિયાલિટી (એવીજીસી-એક્સઆર) ક્ષેત્ર માટે રાષ્ટ્રીય કેન્દ્ર બનવા માટે તૈયાર છે.

‘પહેલેથી જ સાત કંપનીઓ – એનવિડિયા, ગૂગલ, એપલ, માઈક્રોસોફ્ટ, મેટા, સ્ટારઈન્ડિયા અને અડોબ- આઈઆઈસીટી સાથે સહયોગ કરી રહી છે. આઈઆઈસીટી આપણા યુવા સર્જકોને ભવિષ્ય માટે તૈયાર બનાવવા માટે ઉદ્યોગ સાથે નજીકથી કામ કરશે,’ એમ તેમણે કહ્યું હતું.

આપણ વાંચો: પ્રયાગરાજ જંક્શન મુદ્દે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કરી ‘આ’ સ્પષ્ટતા

વૈષ્ણવે પત્રકારોને માહિતી આપી હતી કે આઈઆઈસીટી સાથે સહયોગ માટે વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન (વિપો) સાથે પણ ચર્ચા ચાલી રહી છે. શુક્રવારે તેમણે વેવ્ઝની સમાંતર વિપોના ડાયરેક્ટર જનરલ ડેરેન તાંગ સાથે મુલાકાત કરી હતી.

આઈઆઈસીટીની સ્થાપના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા પ્રતિષ્ઠિત આઈઆઈટી અને આઈઆઈએમની જેમ રાષ્ટ્રીય શ્રેષ્ઠતા કેન્દ્ર તરીકે વેપાર સંસ્થા ફિક્કી અને ઉદ્યોગ સંસ્થા સીઆઈઆઈ સાથે વ્યૂહાત્મક સહયોગમાં કરવામાં આવી રહી છે.

‘ભારતમાં મીડિયા અને મનોરંજનની દુનિયામાં વૈશ્વિક નેતૃત્વની ભૂમિકા ભજવવાની ક્ષમતા છે. આ સંસ્થા તે દિશામાં પહેલું પગલું છે અને આપણે તેના પર નિર્માણ કરવાનું છે,’ એમ વૈષ્ણવે કહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button