વૃક્ષોની આસપાસ રંગીન લાઇટો લપેટશો તો…….

મીરા ભાયંદરઃ કાશીમીરા ખાતે આવેલી એક હોટેલની બહાર એક ઝાડની આસપાસ રંગબેરંગી લાઇટ્સ વિંટાળી સુશોભન કર્યું છે, જેથી રોશનીથી આકર્ષાઇને લોકો તેમની હોટેલ્સની મુલાકાત લે. જોકે, આ અંગે પોલીસે હોટેલ માલિક સામે ગુનો નોંધ્યો છે. ફોર ફ્યુચર ઇન્ડિયા નામની એક સંસ્થાના સંસ્થાપકે આ અંગે મીરા ભાયંદર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના પર એક્શન લેતા પોલીસે આ કાર્યવાહી કરી હતી.
ફોર ફ્યુચર ઇન્ડિયા નામની આ સંસ્થા પર્યાવરણીય અને સામાજિક મુદ્દાઓ પર કામ કરે છે. તેના સંસ્થાપક હર્ષદ ધગે છે. તેમણે જણાવ્યું હતું કે વૃક્ષોની ફરતે લાઇટ્સ વિંટાળવાથી વૃક્ષોને ભરપાઇ ના થઇ શકે તેવું નુક્સાન થાય છે. હર્ષદ ધગેની ફરિયાદોની નોંધ લઇ અહીંના મ્યું. કમિશનરે ટ્રી ઑથેરિટીના અધિકારીઓને આ મામલાની તપાસ કરી ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. જે મુજબ ટ્રી ઑથેરિટીના અધિકારીઓએ મીરા રોડ એમઆઇડીસી રોડ પર આવેલી હોટલનું નિરીક્ષણ કર્યું હતું અને તેમને વૃક્ષ પર રંગીન લાઇટ્સ લગાડેલી જોવા મળી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ઝાડની આસપાસ લાઇટો વીંટાળવા બદલ આ પ્રકારની આ પહેલી કાર્યવાહી છે. આવા કિસ્સામાં દોષિતોને નાણાકીય દંડ અને ઓછામાં એછી એક અઠવાડિયાથી એક વર્ષ સુધીની સજાની જોગવાઇ છે.
આ પણ વાંચો…આ લિફ્ટની સ્પીડ જોઈને તો તમે એમાં ચડતાં પણ ડરશો… જાણી લો ક્યાં આવેલી છે
નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી મીરા-ભાયંદર શહેરમાં અનેક વેપારી સંસ્થાઓ અને હોટેલો તેમની આસપાસના વૃક્ષોને રંગબેરંગી લાઇટોથી શણગારી રહી છે, જેનાથી વૃક્ષોનું કુદરતી ચક્ર વિક્ષેપિત થઇ રહ્યું છે અને તેના વિકાસને પણ અસર થઇ રહી છે. આ ઉપરાંત કેટલાક કિસ્સામાં તો વૃક્ષ મરી પણ જાય છે. આવી રંગબેરંગી સુશોભિત લાઇટો વૃક્ષો માટે ધીમા ઝેરનું કામ કરે છે. મહારાષ્ટ્ર (શહેરી વિસ્તારો) વૃક્ષોના સંરક્ષણ અધિનિયમ, 1975 હેઠળ આ ગેરકાયદેસર કૃત્ય છે. બૉમ્બે હાઇ કોર્ટે 10 એપ્રિલ, 2024ના રોજ એક જાહેર હિતની અરજીના જવાબમાં રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનને નોટિસ પણ જારી કરી હતી, જેમાં વૃક્ષોને રંગબેંરંગી સુશોભિત લાઇટોથી લપેટવાથી થતી ખરાબ અસરો અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.