આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

ટ્રેક ક્રોસ કરો છો તો જાણો મોટા ન્યૂઝઃ મુંબઈમાં આટલા હજાર લોકો મોતને ભેટ્યાં

મુંબઈ: મુંબઈ સબર્બન રેલવેની હદમાં વિવિધ પ્રકારના રેલવે અકસ્માતોને કારણે મૃત્યુ થનારા પ્રવાસીઓની સંખ્યા ઘટવાને બદલે વધી રહી છે, વીતેલા 2023માં વિવિધ પ્રકારના રેલવે અકસ્માતમાં 2,590 પ્રવાસીના મોત થયા હતા, જ્યારે અકસ્માતમાં સૌથી વધુ લોકો રેલવે ટ્રેક ક્રોસ કરવાના કિસ્સા હતા.

2023માં રેલવે અકસ્માતથી મૃત્યુ પામનારી સંખ્યા 2,590 જેટલી રહી હતી, જ્યારે વર્ષ 2022ના મુંબઈ રેલવેમાં મૃત્યુ થયેલા લોકોની સંખ્યા 2,507 હતી. વીતેલા વર્ષે 2,590 લોકો અકસ્માતે મોતને ભેટ્યા હતા, પરંતુ 1,277 લોકો ટ્રેક ક્રોસ કરતા મૃત્યુ પામ્યા હતા. વિવિધ પ્રકારના અકસ્માતોમાં અડધાથી વધુ લોકો રેલવે ટ્રેક પાર કરતી વખતે મૃત્યુ પામ્યા હતા, જે બાબત અંગે રેલવેએ ચિંતા વ્યક્ત કરી હતી.

રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે થનારા અકસ્માતોને રોકવા માટે મધ્ય અને પશ્ચિમ રેલવે હેઠળ ‘મિશન ઝીરો ડેથ’ ચલાવવામાં આવી રહ્યું છે. આ મિશનમાં રેલવે માર્ગમાં લોકો અને પશુઓને રોકવા માટે બનાવવામાં આવેલી સુરક્ષા દીવાલ અને બેરિકેડમાં રહેલી ગેપને શોધી તેને બંધ કરી છે તેમ જ પ્રવાસીઓને રેલવે સુરક્ષાને લઈને ભલામણ પણ કરી છે.

તેના માટે રેલવે પ્રશાસન દ્વારા પ્લેટફોર્મ પર આ સ્લોપને તોડવામાં આવવાની સાથે બે પ્લેટફોર્મ વચ્ચે ડિવાઈડર બેસાડવામાં આવ્યા છે. 2022માં 1,118 લોકો ટ્રેક ક્રોસ કરતા મોતને ભેટ્યા હતા, જ્યારે 2023માં 1,277 લોકોનાં મોત થયા હતા. વર્ષ 2023માં રેલવે લાઇન કોર્સ કરતી વખતે પશ્ચિમ રેલવેમાં 495 અને મધ્ય રેલવેમાં 782 એક કુલ 1,277 લોકોના મૃત્યુ થયા હતા.

આ આંકડા 2022માં 1,118 હતા. ત્યાર બાદ ચાલતી લોકલ ટ્રેનમાંથી પડવાને કારણે પશ્ચિમ રેલવેમાં 159 અને મધ્ય રેલવેમાં 431 એમ કુલ 590 લોકો મોતને ભેટ્યા હતા. મુંબઈ સબર્બનમાં અલગ અલગ ડિવિઝન વિભાજિત કરવામાં આવ્યા છે, જેમાં કલ્યાણમાં 336 અને થાણેમાં 179 લોકોના રેલવે ટ્રેક કોર્સ કરતી વખતે અકસ્માતમાં મૃત્યુ થયા હતા.

મુંબઈના પશ્ચિમ રેલવેમાં પણ આ યોજના હેઠળ 162 ફૂટઓવર બ્રિજ (એફઓબી)નું બાંધકામ કરવામાં આવ્યું હતું. આ બ્રિજ પર 106 એસ્કેલેટર અને 54 લિફ્ટ પણ રાખવામાં આવી છે, જેથી પ્રવાસીઓને વધુ સારી સગવડ મળે. સાથે જ રેલવે દ્વારા નવ કિલોમીટરના રેલવે વિસ્તારમાં 40 સુરક્ષા દીવાલોમાં રહેલા ગેપને ભરવાનું કામ પણ કરવામાં આવ્યું હતું.

મધ્ય રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે રેલવે ટ્રેક ક્રોસ કરવાની સાથે સાથે ટ્રેનમાં આપઘાત અને ટ્રેન સામે પડતું મૂકવાથી અનેક પ્રવાસીઓના મૃત્યુ થયા છે. વીતેલા વર્ષ 2023માં આત્મહત્યાના 121 કેસ (પશ્ચિમ રેલવેમાં 39 અને મધ્ય રેલવેમાં 82) નોંધાયા હતા, જ્યારે 2022માં 100 લોકો મોતને ભેટ્યા હતા.

રેલવેમાં ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેના ગેપમાં પડવાથી WR (પશ્ચિમ રેલવે)માં ત્રણ અને મધ્ય રેલવેમાં સાત એટ્લે કુલ 10 પ્રવાસીના મોત થયા હતા. ત્યાર બાદ ત્રણ પ્રવાસીનું પશ્ચિમ રેલવેમાં અને એક પ્રવાસીનું મધ્ય રેલવે માર્ગમાં કુલ ચાર પ્રવાસીનું રેલવે પોલથી અથડાતાં મૃત્યુ થયું હતું.

રેલવેના ઓવરહેડ વાયરના કરન્ટને કારણે પશ્ચિમ રેલવેમાં પાંચ અને મધ્ય રેલવેમાં નવ એમ કુલ 14 પ્રવાસીઓ મૃત્યુ પામ્યા હતા. રેલવેની હદમાં કુદરતી મોતના કિસ્સામાં મધ્ય અને પશ્ચિમ રેલવેમાં મળીને કુલ 529 લોકોના મોત થયા હતા, જ્યારે અન્ય કારણથી 32 અને અજાણ્યા કારણથી 13 લોકોનાં મોત થયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button