આવતીકાલે લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરવાના છો, જાણી લેજો મહત્ત્વની વિગત

મુંબઈઃ રેલવે ટ્રેકના મેઈન્ટેનન્સ માટે મુંબઈ સબર્બન રેલવેમાં ત્રણેય લાઈનમાં મેગા બ્લોક રહેશે. બ્લોકને કારણે લોકલ ટ્રેનસેવા પર અસર પડશે, તેથી બ્લોકને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓ ટ્રેનમાં મુસાફરી કરવાનું હિતાવહ રહેશે.
મધ્ય રેલવેમાં આવતીકાલે કલ્યાણ અને થાણે સ્ટેશનની વચ્ચે બ્લોક રહેશે. કલ્યાણ અને થાણે વચ્ચે પાંચમી અને છઠ્ઠી લાઇન માટે રવિવારે સવારે એક વાગ્યાથી સવારે ચાર વાગ્યા સુધી મેગા બ્લૉક રખાશે. બ્લૉક દરમિયાન પાંચમી-છઠ્ઠી લાઇનની અપ-ડાઉન મેલ-એક્સ્પ્રેસ ટ્રેનોને કલ્યાણ અને થાણે સ્ટેશનો વચ્ચે અપ ફાસ્ટ લાઇનો ઉપર દોડાવાશે, જેને પગલે તે ગંતવ્ય સ્થાને 15થી 20 મિનિટ મોડી પહોંચશે.
એ જ રીતે હાર્બર લાઈનમાં આવતીકાલે સવારે 11.15 વાગ્યાથી સાંજે 4.15 વાગ્યા સુધી માનખુર્દ અને નેરુળ વચ્ચે અપ અને ડાઉન હાર્બર લાઇન ઉપર બ્લૉક રખાયો છે. આ બ્લૉક દરમિયાન સવારે 10.37 વાગ્યાથી સાંજે ચાર વાગ્યા દરમિયાન તમામ હાર્બર લાઇનની સેવાઓ રદ રહેશે.
પશ્ચિમ રેલવેમાં પણ ગોરેગાંવ અને બોરીવલી સ્ટેશનની વચ્ચે અપ અને ડાઉન ફાસ્ટ લાઇનમાં સવારે 10.00 વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી પાંચ કલાકનો જમ્બો બ્લૉક રહેશે. બ્લૉક દરમિયાન અપ તથા ડાઉન ફાસ્ટ લાઇનોની ટ્રેનોને ગોરેગાંવ અને બોરીવલી સ્ટેશનો વચ્ચે સ્લો લાઇનો ઉપર દોડાવાશે. બ્લૉક દરમિયાન કેટલીક ટ્રેનો રદ રહેશે.