જો ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન ના બન્યા હોત તો….

મુંબઇઃ મહારાષ્ટ્રમા જ્યારે શિવસેનાનું વિભાજન થયું અને એકનાથ શિંદેની શિવસેના અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના એમ બે પક્ષ પડ્યા ત્યારે ભાજપા પર શિવસેનાને તોડવાનો આરોપ લાગ્યો હતો. આ વિશે મહાયુતિના નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ હવે સ્પષ્ટતા કરી છે અને જણાવ્યું છે કે ઉદ્ધ ઠાકરેની મુખ્ય પ્રધાન બનવાની જીદને કારણે શિવસેનાના ભાગલા પડ્યા હતા.
તાજેતરમાં નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે બાળાસાહેબ ઠાકરે એકમાત્ર એવા નેતા હતા જેમણે દેશને હિંદુત્વના વિચારો આપ્યા હતા, પરંતુ ઉદ્ધવ ઠાકરેને ખુરશી સાથે પ્રેમ થયો અને બધું જ ખતમ થઈ ગયું. જો તેઓ મુખ્યપ્રધાન ન બન્યા હોત તો શિવસેના પક્ષ ક્યારેય વિભાજિત ન થયો હોત. તેમણે તેમના સાથીદારો સાથે નોકર જેવો વ્યવહાર કરવાનું શરૂ કરી દીધું હતું. નાયબ મુખ્ય પ્રધાને એમ પણ જણાવ્યું હતું કે પાર્ટીના કાર્યકરોને માલિક અને નોકરની જેમ ગણવાથી પાર્ટીનો વિકાસ થતો નથી. મુંબઈમાં પદાધિકારીઓની એક બેઠકમાં એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે જ્યારે એકવાર રાજ્યના બધા વડાઓ દિલ્હીમાં મળ્યા ત્યારે ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના એક વડાને ફોન કરીને પૂછ્યું હતું કે તમે માલિક સાથે રહેવા માંગો છો કે પછી નોકરો સાથે જવા માંગો છો. આ રીતે પાર્ટી ક્યારેય આગળ ના વધી શકે આ પક્ષ બધા કાર્યકરોનો છે.
શિંદેએ એમ પણ જણાવ્યું હતું કે બાળાસાહેબ ઠાકરેએ શિવસેનાનું જીવની જેમ જતન કર્યું હતું અને શિવસૈનિકોને સાચવ્યા હતા. અમે પણ બાળાસાહેબ અને આનંદ દિઘે સાહેબનાના વિચારો અને તેમના કંડારેલા માર્ગ પર ચાલીને રાજ્યમાં એવી સરકાર લાવ્યા હતા જે સામાન્ય લોકોના મનમાં વસેલી હતી.
Also read: ભાજપ ફરી એક વાર ઉદ્ધવ ઠાકરેને નિશાન બનાવ્યા
શિંદેએ કહ્યું હતું કે, આજે મોટી સંખ્યામાં લોકો અમારી શિવસેનામાં જોડાઈ રહ્યા છે ,પરંતુ હું ઉદ્ધવ ઠાકરની પૂછવા માંગુ છું કે લોકો તેમને કેમ છોડી રહ્યા છે તેનું તેમણે આત્મનિરીક્ષણ કરવું જોઈએ. હું કઈ ગર્ભશ્રીમંત જન્મ્યો નથી, પરંતુ મહારાષ્ટ્રની જનતાના જીવનમાં સોનેરી દિવસ લાવવા માટે જનમ્યો છું. મને મહાન નાયક મહાદજી શિંદેનો રાષ્ટ્ર ગૌરવ પુરસ્કાર મળ્યો. એક મરાઠી માણસ (શરદ પવાર)એ બીજા મરાઠી માણસ (એકનાથ શિંદે)નું સ્વાગત કર્યું, પરંતુ ઠાકરેએ મને ગાળો આપતી વખતે મહાદજીના વંશજોનું અપમાન કર્યું. તેમણે લેખકોનું અને તેમને મુખ્યપ્રધાન બનાવનારાઓનું પણ અપમાન કર્યું. ઠાકરે જૂથ દ્વારા શરદ પવારની ટીકાનો મુદ્દો ઉઠાવતા તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેની વર્તણૂંક એવી છે કે, ‘ગરજ સરી એટલે વૈદ વેરી.’
મહાયુતિમાં શિંદે અને મુખ્ય પ્રધાન ફડણવીસ વચ્ચે મતભેદો હોવાની હંમેશા ચર્ચા થતી હોય છે. આ વિશે એકનાથ શિંદેએ એમ જણાવ્યું હતું કે મહાયુતિમાં ત્રણેય પક્ષો કામ કરી રહ્યા છે. કોઈની વચ્ચે કોઈ શીત યુદ્ધ નથી, પરંતુ અમારું યુદ્ધ વિકાસની વિરુદ્ધ કામ કરનારાઓ સામે છે. બાળાસાહેબનું સ્વપ્ન અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવાનું અને કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવાનું હતું, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત મોદીએ સાકાર કર્યું છે, પરંતુ ઠાકરે સેના દિવસ રાત તેમને ગાળો આપે છે અને શાપ આપે છે