
મુંબઈ: સેવામાં બેદરકારીને કારણે બેસ્ટ વહીવટીતંત્ર દ્વારા કોન્ટ્રાક્ટ રદ કરાયેલી કંપનીની લગભગ ૧૦૦ બસો વડાલા સ્થિત બેસ્ટ ઉપક્રમના અણિક ડેપોમાં ધૂળ ખાય છે. છેલ્લા દોઢેક વર્ષથી ઊભેલી આ બસો સંપૂર્ણપણે ઝાડીઓથી ઘેરાઈ ગઈ છે.
કોન્ટ્રાક્ટર કંપની પર બેસ્ટનું દેવું બાકી છે અને આ મામલો હાલમાં કોર્ટમાં પેન્ડિંગ છે. દરમિયાન, સૂત્રોએ માહિતી આપી હતી કે ડેપોમાં પાર્ક કરેલી બસોની હરાજી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.
મુંબઈગરાઓને અપૂરતી બસોના કારણે અસુવિધા ન થાય તે માટે, બેસ્ટે ડિસેમ્બર ૨૦૨૧ માં એક કંપનીને ૨૭૫ બસોનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જોકે, કોન્ટ્રાક્ટર કંપનીએ કોન્ટ્રાક્ટની શરતો અને નિયમોનું પાલન કર્યું ન હતું. સેવાઓ પૂરી પાડવામાં સતત બેદરકારીને કારણે, બેસ્ટે કોન્ટ્રાક્ટર કંપનીને વારંવાર નોટિસ ફટકારી હતી.
જોકે, સેવામાં સુધારો ન થવાને કારણે, બેસ્ટ વહીવટીતંત્રે ૨૦૨૨ માં સંબંધિત કંપની સાથેનો કોન્ટ્રાક્ટ રદ કર્યો હતો. કોન્ટ્રાક્ટમાં ૨૭૫ બસોમાંથી, ૧૭૫ બસો કોન્ટ્રાક્ટર કંપની દ્વારા લઇ લેવામાં આવી હતી. બાકીની ૧૦૦ બસો વડાલાના અણિક ડેપોમાં પડી છે.
ઉપરાંત, કોન્ટ્રાક્ટર કંપનીને પણ નુકસાન થયું હોવાથી, તેણે આખરે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ સમક્ષ પોતાને દેવાદાર જાહેર કરી. આ કંપનીને બસો ખરીદવા માટે જે બેંકો અથવા નાણાકીય સંસ્થાઓએ મદદ કરી હતી તેઓએ કંપની વિરુદ્ધ કોર્ટમાં અરજી કરી છે. આ મામલે લિક્વિડેટરની નિમણૂક કરવામાં આવી છે.