
મુંબઈ: આંતરિક વાતવરણમાં ઉગાડવામાં આવતી ‘હાઇડ્રો’ ગાંજાની જાતનું ગેરકાયદે વેચાણ અટકાવવું સરકાર માટે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યું હોવાનું જણાવી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઉમેર્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારે ડ્રગ્સ (કેફી દ્રવ્યો)ના વેપલા સામે લડત વધુ તીવ્ર બનાવી છે.
વિધાન પરિષદમાં ધ્યાન ખેંચવાની દરખાસ્તનો જવાબ આપતા તેમણે સિન્થેટિક ડ્રગ્સ અંગે પણ ચિંતા વ્યક્ત કરી જણાવ્યું હતું કે કેન્સરના લાસ્ટ સ્ટેજના દર્દીઓનો ડ્રગ કેરિયર તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સરકાર ડ્રગ્સના દૂષણ સામે કડક હાથે કામ લઈ રહી હોવાથી વધુ કેસ જોવા મળી રહ્યા છે.
આપણ વાંચો: મોરબીના વાંકાનેરમાં વાડીમાં ગાંજાની ખેતી ઝડપાઈ, ખેડૂતની ધરપકડ
મુખ્ય પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતના બંદરો અને મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં સ્થિત દેશના સૌથી મોટા કન્ટેનર બંદર જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ (જેએનપીટી)નો ઉપયોગ કાર્ગો કન્સાઇન્મેન્ટમાં ડ્રગ્સ સંતાડીને લાવવામાં આવતા હોવાનું જાણવા મળ્યું હતું.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે ‘સંતાડેલા ડ્રગ્સ શોધી શકે એવા સ્કેનર ગુજરાત અને મહારાષ્ટ્રમાં લગાવવામાં આવ્યા છે. ડ્રગ્સ સપ્લાયની શંકા હોય એવા કેટલાક દેશોમાંથી જહાજમાં આવતા માલનું એકાંતરે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પાંચ દિવસ પહેલા મુંબઈમાં રૂ.21.55 કરોડની કિંમતના 21 કિલો હાઇડ્રોપોનિક ગાંજા સાથે બે ઇન્ડોનેશિયાના નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી.’
હાઇડ્રોપોનિક ગાંજો જમીનમાં નહીં પણ આંતરિક વ્યવસ્થામાં ઉગાડવામાં આવે છે. આ પદ્ધતિથી ઉત્પાદકોને ઝડપથી ગાંજાની વધુ ઉપજ મળી શકે છે. (પીટીઆઈ)