બકરું કાઢતાં ઊંટ પેઠું: મરાઠા સમાજને સંતુષ્ટ કરવા માટે હૈદરાબાદ ગેઝેટ લાગુ કરવાનો નિર્ણય રાજ્ય સરકારની સમસ્યાઓ વધારશે: હવે બંજારા સમાજ અનામત માટે લડશે | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

બકરું કાઢતાં ઊંટ પેઠું: મરાઠા સમાજને સંતુષ્ટ કરવા માટે હૈદરાબાદ ગેઝેટ લાગુ કરવાનો નિર્ણય રાજ્ય સરકારની સમસ્યાઓ વધારશે: હવે બંજારા સમાજ અનામત માટે લડશે

વિપુલ વૈદ્ય
મુંબઈ:
મનોજ જરાંગે પાટીલની ભૂખ હડતાળ બાદ રાજ્યની મહાયુતિ સરકારે હૈદરાબાદ ગેઝેટ લાગુ કરવાનો નિર્ણય લીધો. આનાથી મરાઠાવાડામાં મરાઠાઓને ઓબીસી પ્રમાણપત્ર મેળવવાનો માર્ગ ખુલ્લો થયો છે, પરંતુ આ નિર્ણય પછી રાજ્યમાં ઓબીસી સમુદાય અને બંજારા સમુદાય હવે અનામત માટે ઉભા થતાં રાજ્ય સરકાર માટે બકરું કાઢતાં ઊંટ પેઠા જેવો ઘાટ થયો છે.

રાજ્યની મહાયુતિ સરકારે મનોજ જરાંગે પાટીલને ભૂખ હડતાળ સમેટવાના હેતુથી મરાઠાઓ માટે હૈદરાબાદ ગેઝેટ લાગુ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ એના પછી જે સ્થિતિ સર્જાઈ છે તેને પગલે હવે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ આ જ નિર્ણય ઉલટાવી નાખે તેવી શક્યતા છે.

આપણ વાંચો: શરદ પવાર પાસે ઓબીસી પ્રમાણપત્ર?: સોશ્યલ મીડિયા પર પ્રમાણપત્રનો ફોટો વાઈરલ, સુપ્રિયાએ આપ્યો રદિયો

કારણ કે આ નિર્ણય બાદ રાજ્યમાં ઓબીસીની સાથે બંજારા સમુદાય પણ અનામત માટે લડવા માટે રસ્તા પર ઉતરવાની તૈયારી કરી રહ્યો છે. બંજારા સમુદાયે સરકારને ચેતવણી આપી છે કે હૈદરાબાદ ગેઝેટ મુજબ બંજારા સમુદાયને તાત્કાલિક એસટી (અનુસૂચિત જનજાતી)ની શ્રેણીમાં સામેલ કરવામાં આવે, નહીં તો અમે શેરીમાં ઉતરીશું.

રાજ્યમાં મહાયુતિ સરકારે એવું વલણ અપનાવ્યું હતું કે અમે મરાઠા સમુદાયના અનામત મુદ્દાને ઉકેલ્યો છે અને હવે પણ ઉકેલી નાખીશું, પરંતુ ઓબીસી સમુદાયના અનામતને નુકસાન કર્યા વગર. આને માટે, હૈદરાબાદ ગેઝેટ લાગુ કરવાનો નિર્ણય લીધો. જોકે, આ નિર્ણય બાદ ઓબીસી સમુદાય આક્રમક બન્યો.

સમુદાયના અગ્રણી નેતાઓએ હવે બેવડી લડાઈની જાહેરાત કરી છે. રાજ્યના પ્રધાન છગન ભુજબળે બહિષ્કારનું વલણ અપનાવ્યા બાદ, રાજ્ય સરકારે ઓબીસી માટે સબ-કમિટીની જાહેરાત કરી હતી.

આપણ વાંચો: રાજ્યના પ્રધાન અતુલ સાવેના આશ્ર્વાસન બાદ ઓબીસી સમાજે આંદોલન પાછું ખેંચ્યું

મરાઠા અનામત આપતી વખતે, ઓબીસીને કોઈપણ રીતે નુકસાન પહોંચાડ્યું નથી અને જેમના કુણબી રેકોર્ડ મળી આવ્યા છે તેમને જ અનામતનો લાભ આપવામાં આવશે, એવું રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સ્વીકાર્યું છે.

આ બધાની વચ્ચે મહારાષ્ટ્રમાં બંજારા સમુદાય પણ હવે અનામતની માગણી કરી રહ્યો છે અને સરકારને સીધી ચેતવણી આપી છે. હિંગોલીમાં બંજારા અને શીખ સમાજની સંયુક્ત બેઠક યોજાઈ હતી.

આ બેઠક બાદ, જીતેન્દ્ર મહારાજે કહ્યું હતું કે, સરકારે મરાઠા સમુદાયને અનામત આપવા માટે હૈદરાબાદ ગેઝેટ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. સરકારે તાત્કાલિક ધોરણે નિર્ણય પણ લીધો. જોકે, હવે તે જ સરકારે બંજારા સમુદાયને એસટી શ્રેણીમાં સમાવવા માટે હૈદરાબાદ ગેઝેટ લાગુ કરવું જોઈએ.

હૈદરાબાદ ગેઝેટ મુજબ, બંજારા એસટી શ્રેણીમાં પ્રવેશ કરી શકીએ છીએ. તેથી, બંજારા સમુદાયના ધાર્મિક નેતા જીતેન્દ્ર મહારાજે હિંગોલીમાં સરકારને તાત્કાલિક નિર્ણય લેવાની માંગ કરી છે. બંજારા સમુદાયના ધાર્મિક નેતાઓએ એવી પણ ચેતવણી આપી છે કે જો સરકાર નિર્ણય નહીં લે તો રાજ્યના લાખો બંજારા ભાઈઓ રસ્તા પર ઉતરીને પોતાના અધિકાર માટે લડશે.

આપણ વાંચો: ઓબીસી રસ્તા પર ઉતરશે: સરકારના મરાઠા ક્વોટાના નિર્ણય પર કાર્યકર્તા નારાજ

ઉપરાંત, ધાર્મિક નેતા જીતેન્દ્ર મહારાજે જણાવ્યું હતું કે અમે બંજારા સમુદાયને એસટી શ્રેણીમાં સમાવવા માટે કાનૂની લડાઈ પણ લડીશું. આ કારણે, મહાયુતિ સરકારે મરાઠા સમુદાયને ખુશ કરવા માટે હૈદરાબાદ ગેઝેટ લાગુ કરવાનો નિર્ણય લીધો.

હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ જ નિર્ણય સરકાર પર ભારે પડ્યો છે. આ બંજારા સમાજને અનુસૂચિત જનજાતીના લાભ આપવાનો વારો આવશે તો સરકારની હાલત કફોડી થઈ જશે.

હજી તો આ ગેઝેટમાં ધનગર સમાજ અંગે પણ કેટલીક નોંધ કરવામાં આવી છે અને તેઓ પણ જો આ ગેઝેટ લાગુ કરવાની માગણી કરશે તો રાજ્ય સરકારની હાલત વધુ કફોડી થવાની શક્યતા જોવાઈ રહી છે. આ બધી બાબતો પરથી આગામી દિવસોમાં રાજ્યમાં વિવિધ સમાજના આંદોલનો જોવા મળે એવી શક્યતા જણાઈ રહી છે.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »

સંબંધિત લેખો

Back to top button