પત્નીને બચાવવા પતિએ પણ ખાડીમાં ઝંપલાવ્યું

મુંબઈ: દંપતી વચ્ચે થયેલા વિવાદમાં પત્નીએ વર્સોવા ખાડીમાં કૂદકો મારતાં તેને બચાવવા પતિએ પણ ઝંપલાવ્યું હતું. સ્થાનિક રહેવાસીઓએ પતિને બચાવી લીધો હતો, જ્યારે પાણીના પ્રવાહમાં તણાઈ ગયેલી પત્નીની શોધ ચલાવાઈ રહી છે.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના ગુરુવારની સવારે 9 વાગ્યાની આસપાસ બની હતી. મહિલા શશીકલા યાદવ (28) તણાઈ ગઈ હોવાથી ફાયર બ્રિગેડના જવાનો બોટની મદદથી તેની શોધ ચલાવી રહ્યા છે.
મળતી માહિતી અનુસાર દંપતી વસઈ નજીકના નાયગાંવના રહેવાસી છે. ત્રણ દિવસ અગાઉ જ પત્ની ઉત્તર પ્રદેશના વતનથી નાયગાંવ પાછી ફરી હતી. ગુરુવારે સવારે શશીકલાનો પતિ દિનેશ યાદવ (32) સાથે કોઈ મુદ્દે ઝઘડો થયો હતો. ગુસ્સામાં શશીકલા ઘરની બહાર નીકળી ગઈ હતી.
આ પણ વાંચો : જો તમારા ઘરે પાલતુ જાનવરો છે તો તૈયાર રહેજો મુંબઈગરા, સપ્ટેમ્બરથી શરુ થશે…
કહેવાય છે કે શશીકલાને સમજાવવા તેની માસી અને દિનેશ પણ પાછળ પાછળ ગયાં હતાં. આત્મહત્યાને ઇરાદે શશીકલા મુંબઈ-અમદાવાદ હાઈવે પરના વર્સોવા પુલ પર પહોંચી હતી. પતિને આવતો જોઈ શશીકલાએ પુલ પરથી ખાડીમાં પડતું મૂક્યું હતું. તેને બચાવવા દિનેશ પણ ખાડીમાં કૂદ્યો હતો.
ઘટનાને જોનારા રાહદારીઓએ આ બાબતે પોલીસને જાણ કરી હતી. દરમિયાન સ્થાનિકોએ દિનેશને બચાવી લીધો હતો, જ્યારે પત્ની તણાઈ ગઈ હતી. ઘટનાસ્થળે પહોંચેલા ફાયર બ્રિગેડના જવાનોએ બોટની મદદથી મહિલાની શોધ હાથ ધરી હતી. દંપતીને ત્રણ વર્ષનો પુત્ર અને ત્રણ મહિનાનું સંતાન પણ હોવાનું જાણવા મળ્યું હતું