પત્નીની હત્યાનો પ્રયાસ કરનારા પતિને પાંચ વર્ષની સખત કેદ

થાણે: પેપર કટરથી હુમલો કરી પત્નીને મારી નાખવાનો પ્રયાસ કરવાના 2023ના કેસમાં થાણે સેશન્સ કોર્ટે પતિને પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.
આરોપીએ પત્નીને મારી નાખવાને ઇરાદે જ તેને ઇજાઓ પહોંચાડી હોવાનું સ્પષ્ટ થાય છે અને ઘટના સમયે આસપાસ ઊભેલા લોકો સારવાર માટે તેને હૉસ્પિટલ ન લઈ ગયા હોત તો તેનું મૃત્યુ થયું હોત, એમ એડિશનલ સેશન્સ જજ સૂર્યકાંત શિંદેએ આદેશમાં જણાવ્યું હતું.
તપાસકર્તા પક્ષે જણાવ્યું હતું કે આરોપી આશિષ વામન ડોંગરદિવે (33)એ 13 ડિસેમ્બર, 2023ની રાતે પત્ની રાજનંદિની નારાયણ તાયડે પર તેની હત્યા કરવાને ઇરાદે પેપર કટરથી હુમલો કર્યો હતો.
આપણ વાંચો: થાણેમાં 13 વર્ષની સગીરા પર સામૂહિક બળાત્કાર: બે આરોપીને 10 વર્ષની કેદ
થાણે મહાનગરપાલિકામાં ગાર્ડ તરીકે કામ કરતી રાજનંદિનીનાં લગ્ન ફેબ્રુઆરી, 2023માં આરોપી સાથે થયાં હતાં. એ જ વર્ષના મે મહિનાથી દંપતી વચ્ચે વારંવાર ઝઘડા થવા લાગ્યા હતા.
પત્નીએ આક્ષેપ કર્યો હતો કે દારૂના નશામાં પતિ આશિષ હિંસા આચરતો હતો, જેને પગલે તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બાદમાં નવેમ્બર, 2023થી પતિથી અલગ થઈ તે પિતા સાથે રહેવા જતી રહી હતી.
આપણ વાંચો: કલ્યાણ કોર્ટે 2014ના હુમલાના કેસમાં નવ જણને નિર્દોષ છોડ્યા
13 ડિસેમ્બર, 2023ની રાતે પત્ની રિક્ષામાં ઘરે જઈ રહી હતી ત્યારે આરોપીએ તેને માર્ગમાં રોકી હતી. ઝઘડો કરી આરોપીએ પત્નીની ગરદન પર પેપર કટરથી હુમલો કર્યો હતો.
પછી પત્નીને મારી નાખી પોતે પણ જીવ આપવાની ધમકી આપી હતી. ઘટના સમયે એકઠા થઈ ગયેલા લોકોએ મધ્યસ્થી કરી રાજનંદિનીને કલવાની છત્રપતિ શિવાજી મરાહાજ હૉસ્પિટલમાં દાખલ કરાવી હતી.
પોલીસે આરોપીની ધરપકડ કરી કટર જપ્ત કર્યું હતું. 19 ડિસેમ્બર, 2024ના રોજ આરોપી વિરુદ્ધ આરોપ ઘડાયા હતા. તપાસકર્તા પક્ષે પીડિતા અને તબીબી અધિકારી સહિત સાત સાક્ષી રજૂ કર્યા હતા. (પીટીઆઈ)