પત્નીને ફોન કરી અવાજ સાંભળવાની ઇચ્છા વ્યક્ત કર્યા પછી પતિનો આપઘાત

થાણે: પત્નીને ફોન કરીને તેનો અવાજ સાંભળવાની ઇચ્છા વ્યક્ત કર્યાની ગણતરીની મિનિટોમાં પતિએ કથિત આત્મહત્યા કરી હોવાની ઘટના ડોમ્બિવલીમાં બની હતી.
પોલીસના જણાવ્યા મુજબ ડોમ્બિવલીમાં રહેતા સુધાકર યાદવ (41)નો પત્ની સંજના યાદવ (31) સાથે 19 ડિસેમ્બરે ઝઘડો થયો હતો. ગુસ્સામાં સંજના દીવામાં રહેતી તેની બહેનના ઘરે જતી રહી હતી.
બીજી સવારે 10 વાગ્યાની આસપાસ સુધાકરે સંજનાના મોબાઈલ ફોન પર કૉલ કર્યો હતો. તે સમયે સંજના મુંબઈના કામ માટે મુંબઈના કુર્લા વિસ્તારમાં જઈ રહી હતી. માત્ર બે મિનિટ માટે અવાજ સાંભળવાની ઇચ્છા થઈ હોવાથી કૉલ કર્યો હોવાનું સુધાકરે પત્નીને કહ્યું હતું.
કૉલ કટ થયાની ગણતરીની મિનિટોમાં સંજનાના વ્હૉટ્સઍપ પર સુધાકરે એક તસવીર મોકલાવી હતી. સુધાકર ગળાફાંસો ખાઈ રહ્યો હોવાનું તસવીર પરથી સ્પષ્ટ થતું હતું. આ બાબતને ગંભીરતાથી લઈ સંજનાએ પડોશીને ફોન કર્યો હતો અને તેના ઘરમાં તપાસ કરવાની વિનંતી કરી હતી.
એકઠા થયેલા પડોશીઓએ સુધાકરના ઘરનો દરવાજો ખટખટાવ્યો હતો. વારંવાર દરવાજો ખટખટાવ્યા છતાં અંદરથી કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો. આખરે દરવાજો તોડવામાં આવતાં સીલિંગ સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં સુધાકર નજરે પડ્યો હતો, એવું અધિકારીએ જણાવ્યું હતું.
બનાવની જાણ થતાં ડોમ્બિવલીની વિષ્ણુ નગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સુધાકરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. આ પ્રકરણે વિષ્ણુ નગર પોલીસે એડીઆર નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)