ચિકન અને ચાઈનીઝ ફૂડ માટે પતિએપત્નીને લોખંડના સળિયાથી ફટકારી | મુંબઈ સમાચાર

ચિકન અને ચાઈનીઝ ફૂડ માટે પતિએપત્નીને લોખંડના સળિયાથી ફટકારી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: જમતી વખતે ચિકન અને ચાઈનીઝ ફૂડ ન પીરસનારી પત્નીને પતિએ લોખંડના સળિયાથી ફટકારી હોવાની ઘટના ટ્રોમ્બેમાં બની હતી. પોલીસે પત્નીની હત્યાના પ્રયાસનો ગુનો નોંધી બુધવારે પતિની ધરપકડ કરી હતી.

ટ્રોમ્બે પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ અજય અરુણ દાભાડે (38) તરીકે થઈ હતી. દાભાડે તેની પત્ની સ્વાતિ (37) અને પરિવારજનો સાથે ટ્રોમ્બે કોલીવાડા વિસ્તારમાં રહેતો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: અમદાવાદમાં પ્રોફેસર પત્નીને પતિએ તલાક આપ્યા, માનસિક અને શારીરિક રીતે ત્રાસ આપવા બદલ નિર્ણય

પોલીસ ફરિયાદ અનુસાર ઘટના ત્રીજી જુલાઈની રાતે બની હતી. જમતી વખતે દાભાડેએ વધુ ચિકન અને ચાઈનીઝ ફૂડ આપવાનું પત્નીને કહ્યું હતું. જોકે સ્વાતિએ ચિકન ખતમ થઈ ગયું હોવાનું અને ચાઈનીઝ ન હોવાનું કહેતાં દાભાડે રોષે ભરાયો હતો.

દંપતી વચ્ચે બોલાચાલી થતાં ગુસ્સામાં દાભાડેએ લોખંડના સળિયાથી પત્ની પર હુમલો કર્યો હતો. માથામાં સળિયો વાગવાને કારણે સ્વાતિ ગંભીર રીતે ઘવાઈ હતી. મદદ માટેની તેની બૂમો સાંભળી પડોશીઓ દોડી આવ્યા હતા. લોહીલુહાણ હાલતમાં તેને શતાબ્દી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: મીરા રોડમાં પોલીસ સ્ટેશનની બહાર ભરરસ્તે પતિએ ગળું ચીરી પત્નીને મોતને ઘાટ ઉતારી…

સારવાર બાદ હૉસ્પિટલમાંથી રજા મળતાં બે દિવસ અગાઉ જ તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે દાભાડે વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો. પોલીસે દીકરાને સમર્થન આપનારી દાભાડેની માતા સામે પણ ગુનો નોંધ્યો હતો.

કહેવાય છે કે સ્વાતિએ ગયા મહિને જ પતિ અને સાસરિયાં વિરુદ્ધ દહેજ માટે ત્રાસ આપવાની ફરિયાદ પોલીસમાં કરી હતી, જેમાં પિયરથી પાંચ લાખ રૂપિયા લઈ આવવા સાસરિયાં દ્વારા દબાણ કરાતું હોવાનો આક્ષેપ કરાયો હતો.

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »
Back to top button