પત્નીને જીવતી સળગાવી તેણે આત્મહત્યા કર્યાનું જુઠ્ઠાણું ચલાવનારા પતિની ધરપકડ

થાણે: નવી મુંબઈમાં અફૅરની શંકા પરથી પત્નીને કથિત રીતે જીવતી સળગાવ્યા બાદ તેણે આત્મહત્યા કર્યાનું જુઠ્ઠાણું પતિએ ચલાવ્યું હતું, પરંતુ ઘટનાની સાક્ષી એવી દંપતીની સાત વર્ષની માસૂમ દીકરીએ પિતાનું કરતૂત ઉઘાડું પાડ્યું હતું. પોલીસે હત્યાનો ગુનો નોંધી ઘાતકી કૃત્ય કરનારા પતિની ધરપકડ કરી હતી.
ઉરણ પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર હનીફ મુલાનીએ જણાવ્યું હતું કે ઘટના પચીસ ઑગસ્ટની વહેલી સવારે ઉરણના પાગોટેગાંવમાં દંપતીના ઘરે બની હતી. આરોપી રાજકુમાર રામશિરોમણિ શાહુ (35)ને પત્ની જગરાની શાહુના અનૈતિક સંબંધ હોવાની શંકા હતી.
આપણ વાંચો: દહેજ માટે સાસરિયા બન્યા હેવાન: દીકરા અને બહેન સામે મહિલાને જીવતી સળગાવી
શંકાને પગલે પતિએ પત્નીનો કાંટો કાઢવાનું નક્કી કર્યું. પત્નીના હાથ-પગ બાંધ્યા પછી પતિએ તેના શરીર પર કેરોસીન રેડ્યું હતું. બાદમાં લાઈટરની મદદથી આગ ચાંપી હતી. પછી ગંભીર રીતે દાઝેલી પત્નીને પતિ જ હૉસ્પિટલમાં લઈ ગયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.
અધિકારીના જણાવ્યા મુજબ આરોપીએ દાવો કર્યો હતો કે પત્નીએ રૂમનો દરવાજો અંદરથી લૉક કરીને આત્મહત્યા કરી હતી. પરિણામે આ મામલે અકસ્માત મૃત્યુની નોંધ કરી પોલીસે તપાસ હાથ ધરી હતી.
આપણ વાંચો: ઓડીશામાં ગુલાબી ગેંગ જસ્ટિસ! મહિલાઓએ બળાત્કારીને મારીને સળગાવી દીધો
તપાસ દરમિયાન પોલીસને આરોપીના નિવેદનમાં કેટલીક વિસંગતિઓ જણાઈ હતી. પોસ્ટમોર્ટમના અહેવાલ સહિત તપાસમાં અમુક શંકાસ્પદ બાબતો સામે આવી હતી. એ સિવાય દંપતીની સાત વર્ષની પુત્રીના નિેવેદન પરથી અલગ જ ચિત્ર ઊપસી આવ્યું હતું, એમ મુલાનીએ જણાવ્યું હતું.
પોલીસે ઘટનાસ્થળ નજીકના પરિસરમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસ્યાં હતાં. ફૂટેજ પરથી એ સ્પષ્ટ થયું હતું કે આરોપી ઘટના બાદ વહેલી સવારે ઘરની બહાર નીકળ્યો હતો. જોકે આરોપીએ ઘટના સમયે પોતે ઘરમાં હાજર ન હોવાનો દાવો કર્યો હતો. કૅમેરાનાં ફૂટેજે આરોપીના દાવાને ખોટો ઠેરવ્યો હતો.
આપણ વાંચો: હૈદરાબાદમાં સાયકોલોજીસ્ટની આત્મહત્યા? માનસિક રોગના દરદીની સારવાર કરવા ગઈ અને…
મેડિકલ અને ફોરેન્સિક પુરાવા તેમ જ બાળકીના નિવેદન બાદ ઉરણ પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. આ પ્રકરણે પોલીસ વધુ તપાસ કરી રહી છે. (પીટીઆઈ)