શેરબજારમાં મહાઉછાળો: સેન્સેક્સ ૯૯૩ પોઈન્ટ આગળ વધ્યો, નિફ્ટી ૨૪,૨૦૦ ઉપર…
નીલેશ વાઘેલા
મુંબઈ: શેરબજારમાં ચૂંટણી પરિણામનો પ્રત્યાઘાતી ઉછાળો સતત બીજા દિવસે ચાલુ રહ્યો હતો અને સપ્તાહના પહેલા દિવસે પણ મહાયુતિના વિજયનો મહાઉછાળો જોવા મળ્યો હતો. મહારાષ્ટ્રની ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધનને સ્પષ્ટ જનાદેશ મેળવ્યાના પ્રતિસાદમાં તેજીની ચાલ જાળવી રાખતાં ૨૫ નવેમ્બરના રોજ સેન્સેક્સે ૮૦,૧૦૦ની સપાટી વટાવી છે, જ્યારે નિફ્ટીએ ૨૪,૨૦૦ની ઉપર મજબૂત બંધ આપ્યો છે.
આ પણ વાંચો : શેરબજારમાં 1961 પોઇન્ટનો જબ્બર ઉછાળો…
સત્રને અંતે સેન્સેક્સ ૯૯૨.૭૪ પોઈન્ટ અથવા ૧.૨૫ ટકા વધીને ૮૦,૧૦૯.૮૫ના સ્તરે અને નિફ્ટી ૩૧૪.૬૦ પોઈન્ટ અથવા ૧.૩૨ ટકા વધીને ૨૪,૨૨૧.૯૦ની સપાટીએ બંધ થયો હતો.
સકારાત્મક વૈશ્ર્વિક સંકેતો પાછળ, નિફ્ટી જોરદાર ઉછાળા સાથે ૨૪,૨૫૦ની આસપાસ ઊંચા ગેપ સાથે ખુંલ્યું હતું અને સત્રના પૂર્વાર્ધ દરમિયાન જબરી તેજી બતાવી હતી. સેન્સેક્સ તો ૧૩૦૦ પોઇન્ટ સુધઝી ઊછળ્યો હતો. જોકે, પોઝિટિવ ટેરિટરીમાં બંધ થતાં પહેલાં આવેલી ઊંચા મથાળાની વેચવાલીને કારણે ઇન્ટ્રાડેનો કેટલોક સુધારો ભૂસાઇ ગયો હતો.
નિફ્ટીમાં ટોપ ગેનર્સમાં ઓએનજીસી, બીપીસીએલ, ભારત ઈલેક્ટ્રોનિક્સ, સ્ટેટ બેન્ક, અને લાર્સન એન્ડ ટૂબ્રોનો સમાવેશ હતો, જ્યારે જેએસડબ્લ્યુ સ્ટીલ, ઈન્ફોસિસ, બજાજ ઓટો, ટેક મહિન્દ્રા અને એશિયન પેઈન્ટ્સ ટોપ લુઝર્સ શેરોની યાદીમાં હતા.
પાછલા બે દિવસમાં ધોવાયેલા અદાણી જૂથના શેરોમાં પણ જોરદાર લેવાલી અને સુધારો જોવા મળ્યો હતો. સવારના સત્રમાં આ જૂથના નવ શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો, જેમાં અદાણી એનર્જી સોલ્યુશન્સમાં સાત ટકા જેટલો ઉછાળો હતો. આ ઉપરાંત અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટોટલ ગેસ, અદાણી પોર્ટ, અદાણી પાવર, અદાણી એન્ટપ્રાઇસ, અદાણી વીલમરમાં ઉછાળો જોવા મળ્યો હતો.
એક માત્ર એનડીટીવીમાં વેચવાલી અને સવારના સત્રમાં બે ટકા સુધીનો કડાકો જોવા મળ્યો હતો. મિડકેપ ઇન્ડેક્સ ૧.૬ ટકા વધ્યો હતો, જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ લગભગ બે ટકા વધ્યો હતો. સેક્ટરમાં ઓઇલ એન્ડ ગેસ, રિયલ્ટી, કેપિટલ ગુડ્સ અને પીએસયુ બેન્ક ઇન્ડેક્સમાં બેથી ચારેક ટકા વધ્યા હતા.
સત્ર દરમિયાન કોફોર્જ, કોરોમંડલ ઈન્ટરનેશનલ, ફેડરલ બેંક, ફોર્ટિસ હેલ્થકેર, જિલેટ ઈન્ડિયા, એચસીએલ ટેક્નોલોજીસ, એચડીએફસી બેંક, હોનાસા ક્ધઝ્યુમર, ઈન્ડિયન હોટેલ્સ, જેએસડબ્લ્યુ ઈન્ફ્રા, કેઆઈએમએસ, લૌરસ લેબ્સ, માસ્ટેક, નાલ્કો, પેટીએમ, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ, ટેક મહિન્દ્રા, વિપ્રો સહિતના ૨૦૦થી વધુ શેરો બીએસઈ પર તેમની બાવન સપ્તાહની ટોચને સ્પર્શી ગયા હતા.
આ પણ વાંચો : શેરબજારમાં 1700 પોઇન્ટ સુધીનો તોતિંગ ઉછાળો
નોંધવું રહ્યું કે, પાછલા સત્રમાં શુક્રવારે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં શાસક પક્ષની જીતના પરિણામ અગાઉ જ સેન્સેક્સ લગભગ બે હજાર પોઇન્ટ ઊછળ્યો હોવાથી બજાર નિરિક્ષકો એવા તારણ પર પહોંચ્યા હતા કે રાજકીય પરિબળ ડિસ્કાઉન્ટ થઇ ગયું છે. મહાયુતિ ગઠબંધને ૨૮૮માંથી ૨૩૪ બેઠકો જીતી હતી, જેમાં ભાજપને ૧૩૨, શિંદેની શિવસેનાને ૫૭ અને અજિત પવારની એનસીપીને ૪૧ બેઠકો મળી હતી.