Maharashtra માં મહાવિકાસ અઘાડી લોકસભાની કેટલી બેઠકો જીતશે, ઉદ્ધવ ઠાકરે આપ્યો આ જવાબ
દેશમાં લોકસભાની ચૂંટણી માટે અત્યાર સુધીમાં ચાર તબક્કાનું મતદાન થઈ ચૂકયુ છે. જયારે હજુ ત્રણ તબક્કા માટે મતદાન બાકી છે. તેવા સમયે મહારાષ્ટ્રમાં (Maharashtra) કેટલાક નેતાઓએ તેમના પક્ષને કેટલી બેઠકો મળશે તે અંગે દાવા કરી રહ્યા. જેમાં ઠાકરે જૂથના વડા ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackeray) પ્રથમ વખત જણાવ્યું હતું કે મહાવિકાસ અઘાડીને(MVA) કેટલી બેઠકો મળશે. એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે ભાજપ અને વડાપ્રધાન મોદી પર પણ નિશાન સાધ્યું અને ફરી એકવાર બાળાસાહેબના રૂમમાં થયેલી ચર્ચા પર ટિપ્પણી કરી છે.
મહાવિકાસ અઘાડી 48માંથી 48 બેઠકો જીતશે
ઠાકરે જૂથના વડા ઉદ્ધવ ઠાકરેએ મહાવિકાસ અઘાડી કેટલી બેઠકો જીતશે તેનો જવાબ આપતા દાવો કર્યો હતો કે મહાવિકાસ અઘાડી 48માંથી 48 બેઠકો જીતશે. તેમણે કહ્યું કે હું જીતવાની તૈયારી કરું છું. તેથી મને લાગે છે કે મહાવિકાસ અઘાડી 48માંથી 48 બેઠકો જીતશે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, મને મારા માતા-પિતાના આશીર્વાદ છે.
બાળાસાહેબના રૂમમાં થયેલી ચર્ચા અંગે ખૂલીને વાત કરી
2019માં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપ અને શિવસેના વચ્ચે ગઠબંધન થયું હતું અને ગઠબંધન જીત્યું હતું .પરંતુ બાદમાં આ ગઠબંધન તૂટી ગયું હતું. ઉદ્ધવ ઠાકરેના જણાવ્યા અનુસાર, પાર્ટી કેવી રીતે કામ કરશે અને મુખ્યમંત્રી કોણ હશે તે અંગે ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે બાળાસાહેબના રૂમમાં બેઠક થઈ હતી.
જે વધુ બેઠકો મેળવશે તે મુખ્યમંત્રી બનશે
તેનો ઉલ્લેખ કરતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મેં બાળાસાહેબને વચન આપ્યું હતું કે તેમણે જે બનાવ્યું છે તેને આગળ લઈ જઇશ. મેં તેને મારી જવાબદારી તરીકે સ્વીકારી છે. હું એ જ રીતે શિવસેનાને આગળ લઈ જઈશ. મેં આ બધું અમિત શાહને કહ્યું. ત્યારે તેમણે કહ્યું હતું કે જે વધુ બેઠકો મેળવશે તે મુખ્યમંત્રી બનશે. મેં કહ્યું કે આવું ના કરો.ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તમારી પાસે અઢી વર્ષ છે તો મને કોઈ વાંધો નથી. જો તમે શિવસેનાને અઢી વર્ષ આપો તો અમે એક ડ્રાફ્ટ તૈયાર કરીશું જેના પર હું પાર્ટીના વડા તરીકે સહી કરીશ અને ડ્રાફ્ટમાં હું લખીશ કે આ તારીખે શિવસેનાના મુખ્યમંત્રી પદ પરથી હટી જશે.