ચર્ચગેટના કૂપરેજ ગ્રાઉન્ડમાં સુધરાઈ ઘોડાનું ચકડોળ બેસાડશે..

મુંબઈ: દક્ષિણ મુંબઈના ચર્ચગેટમાં આવેલા પ્રતિષ્ઠિત કૂપરેજ ગ્રાઉન્ડમાં ૩૨ લોકોની બેઠકની ક્ષમતાવાળું ઘોડાનું ચકડોળ બેસાડવાની સુધરાઈએ યોજના બનાવી છે, તે માટે સુધરાઈએ રસ ધરાવતી કંપનીઓને આગળ આવવા કહ્યું છે. આ નવું આકર્ષણ સ્થાનિકો અને પ્રવાસીઓ બંને માટે એક અદભૂત સ્થળ બની રહેશે.
ચકડોળ સામાન્ય રીતે મનોરંજનની સવારી છે, જેમાં ગોળાકાર ફરતું પ્લેટફોર્મ હોય છે. ચકડોળ પરની બેઠકો સામાન્ય રીતે ઓટોમોબાઈલ, ટ્રેન અને પ્રાણીઓ જેવી વિવિધ વસ્તુઓની થીમ પર આધારિત હોય છે. સામાન્ય રીતે લોકપ્રિય પ્રાણીઓમાં ઘોડા, હાથી અને હંસનો સમાવેશ થાય છે. રાજ્યના વિધાનસભા અધ્યક્ષ અને કોલાબાના વિધાનસભ્ય રાહુલ નાર્વેકરે અગાઉ કૂપરેજ ગ્રાર્ડનમાં ઘોડાની ચકડોળ બેસાડવાનો પ્રસ્તાવ રાખ્યો હતો.
આ પણ વાંચો:મુંબઈમાં માર્ચમાં ઘરોનું ‘વિક્રમી’ વેચાણ, જાણો રાજ્ય સરકારને કેટલી થઈ આવક?
ફેબ્રુઆરી, ૨૦૨૪માં પાલિકાના મિકેનિકલ અને એન્જિનિયરિંગ વિભાગે ઘોડાના ચકડોળ પ્રોજેકટ માટે ૧.૫૨ કરોડ રૂપિયાનું અંદાજિત બજેટ તૈયાર કર્યું હતું. લગભગ એક વર્ષ પછી પાલિકાએ કૂપરેજ ગ્રાઉન્ડ ખાતે ૫,૦૦૦ ચોરસ ફૂટ જમીન પર આ નવું આકર્ષણ ઊભું કરવા માટે રસ ધરાવતી કંપનીઓ પાસેથી દરખાસ્તો મંગાવી છે. આ પ્રોજેક્ટ જાહેર-ખાનગી ભાગીદારી મોડેલ હેઠળ વિકસાવવામાં આવશે, જેમાં પાલિકા ઈન્સ્ટોલેશન માટે જમીન આપશે. સફળ બોલી લગાવનારી કંપની સાત વર્ષના સમયગાળા માટે ચકડોળની ડિઝાઈન, ઈન્સ્ટોલેશન, સંચાલન અને તેની જાળવણીની જવાબદારી સંભાળશે.
આ પણ વાંચો:મુંબઈ એરપોર્ટ પર ત્રણ કરોડ રૂપિયાનો ગાંજો પકડાયો: કેરળના યુવકની ધરપકડ…
પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ ચકડોળ પરની બેઠકો એક બાળક અને એક પુખ્ત વયની વ્યક્તિ બેસી શકે તે રીતે ડિઝાઈન કરવામાં આવશે. કોલાબાના ભૂતપૂર્વ નગરસેવક મકરંદ નાર્વેકરના જણાવ્યા મુજબ કૂપરેજ ગ્રાઉન્ડ ઐતિહાસિક રીતે ઘોડા મેદાન તરીકે જાણીતું હતું, જ્યાં બાળકો અને પુખ્ત વયના લોકો બંને માટે ઘોડા સવારી ઉપલબ્ધ હતી. જોકે થોડા વર્ષો પહેલા થયેલી દુર્ઘટના બાદ આ બગીચામાં ઘોડા સવારી બંધ કરી દેવામાં આવી હતી.