આમચી મુંબઈ

લૂંટ માટે ‘હની ટ્રેપ’: મહિલા સહિત ચાર જણની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
લૂંટ માટે દેવનારના વેપારીને ‘હની ટ્રેપ’માં સપડાવનારી યુવતી સહિત ચાર આરોપીની આરે પોલીસે ધરપકડ કરી હતી. મિત્રતા કરીને વાશી અને પવઈમાં ફર્યા પછી વેપારીને આરે કોલોનીના જંગલમાં લાવવામાં આવ્યો હતો. ત્યાં હાજર સાથીઓ વેપારીની આંખમાં મરચાંની ભૂકી નાખ્યા પછી લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.

પકડાયેલા આરોપીઓની ઓળખ સાયરા ઉર્ફે શહરીન ઔરંગઝેબ કુરેશી (24), વિશાલ સિદ્ધાર્થ વાઘ (27), નમેશ નાગેશ સુર્વે (23), જહાંગીર સલાઉદ્દીન કુરેશી (25) તરીકે થઈ હતી. આરોપી સિદ્ધાર્થ વાઘ વિરુદ્ધ ડોમ્બિવલી પોલીસ સ્ટેશનમાં લૂંટ-ચોરીના ગુના નોંધાયેલા હોવાનું આરે પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર રવીન્દ્ર પાટીલે જણાવ્યું હતું.

આપણ વાચો: હની ટ્રેપ વિવાદ: ભાજપના પ્રધાન ગિરીશ મહાજને આરોપી પ્રફુલ લોઢા સાથે એકનાથ ખડસેના ફોટા શેર કર્યા

પોલીસના જણાવ્યા મુજબ મુખ્ય આરોપી માનખુર્દમાં રહેતી સાયરા ઉર્ફે શહરીન માર્કેટિંગનું કામ કરતી હોવાથી અનેક વેપારીઓ સાથે તેની મુલાકાત થતી હોય છે. આ દરમિયાન તેની નજર ફરિયાદી વેપારી મોહમ્મદ હનીફ સાબુલા ખાને (45) પહેરેલા સોનાના દાગીના પર પડી હતી. ખાને ગળામાં પાંચ તોલા સોનાની જાડી ચેન અને હાથમાં બ્રેસલેટ પહેર્યું હતું. સોનું જોઈ લલચાયેલી સાયરાએ ખાનને લૂંટવાની યોજના બનાવી હતી.

યોજના મુજબ સાયરાએ હસીમજાકમાં વાતો કરી ધીરે ધીરે ખાન સાથે મિત્રતા વધારી હતી. બેથી ત્રણ વાર બન્ને સાથે હોટેલમાં ચા-નાસ્તો કરવા પણ ગયાં હતાં. આરે આવવાના એકાદ દિવસ અગાઉ સાયરા ખાનને ફરવા વાશી લઈ ગઈ હતી.

અધિકારીએ જણાવ્યું હતું કે 23 નવેમ્બરે સાયરા ફરવા માટે ખાન સાથે કૅબમાં પવઈ આવી હતી. તે સમયે ખાને અંદાજે પાંચ લાખ રૂપિયાની સોનાની ચેન પહેરી હતી. પવઈની એક હોટેલમાં નાસ્તો અને વાતચીત કરવામાં કલાક ગાળ્યા પછી સાયરાએ આરેમાં ફરવા જવા ખાનને મનાવી લીધો હતો.

આપણ વાચો: હની ટ્રેપ કેસમાં વિજય વડેટ્ટીવારનો ગંભીર આરોપ, ‘પ્રફુલ લોઢાએ વીડિયો બતાવીને 200 કરોડ ભેગા કર્યા’

બન્ને જણ રિક્ષામાં આરેના જંગલમાં માર્કેટ પરિસરથી થોડે દૂર પહોંચ્યાં હતાં. રિક્ષા નિર્જન સ્થળે પહોંચી ત્યારે અગાઉથી નક્કી થયા મુજબ બાઈક પર આવેલા બે શખસે રિક્ષાને રોકી હતી.

ખાનને રિક્ષામાંથી નીચે ઉતારી બાઈક પર આવેલા શખસોએ વિવાદ કર્યો હતો. પછી તેની આંખમાં મરચાંની ભૂકી નાખી સોનાની ચેન લૂંટી આરોપી ફરાર થઈ ગયા હતા. આરોપીઓ સાથે સાયરા પણ ગુમ હોવાથી ખાનને શંકા ગઈ હતી. તેણે નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે રિક્ષાને ઓળખી કાઢી હતી. રિક્ષાના નંબરને આધારે પોલીસ આરોપી સુધી પહોંચી હતી.

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button