બદલાપુર પ્રકરણને લઈ ગૃહ મંત્રાલય એક્શનમાં, પોલીસ અધિકારીઓ માટે લેવાયો આ નિર્ણય

મુંબઈઃ થાણેના બદલાપુરમાં બનેલી બે બાળકી પર કથિત જાતીય શોષણની શરમજનક ઘટનાને જોતા મુંબઈ પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. મહિલાઓ અને છોકરીઓની સુરક્ષાને વધુ સુનિશ્ચિત કરવા માટે, પોલીસ હેડક્વાર્ટર દ્વારા દર શનિવારે પોલીસ સ્ટેશનોમાં આયોજિત ફરિયાદ નિવારણ શિબિરોમાં પડતર કેસોને ઝડપી ગતિએ ઉકેલવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ શિબિરોમાં, મહિલાઓ અને છોકરીઓને લગતા તે કેસોની સુનાવણી કરવામાં આવશે, જે બંને પક્ષો વચ્ચે પરસ્પર સમજૂતી દ્વારા અથવા કાનૂની પ્રક્રિયા દ્વારા ઉકેલવામાં આવ્યા નથી. આ અંગેનો આદેશ બુધવારે જારી કરવામાં આવ્યો છે.
આદેશ મુજબ, નિવારણ શિબિરમાં આવતા કેસોની સુનાવણી સંબંધિત સ્ટેશન ઈન્ચાર્જ પોતે કરશે, એસીપી અને ડીસીપી દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે. આ સિવાય ઈન્ચાર્જ કેસ સંબંધિત આરોપી અને પીડિતાને બોલાવશે અને પેન્ડિંગ કેસને વહેલી તકે બંધ કરવાનો આગ્રહ રાખવામાં આવશે. તમામ જોઈન્ટ કમિશનર, એડિશનલ કમિશનર અને ડીસીપીને દર શનિવારે એક યા બીજા પોલીસ સ્ટેશનની મુલાકાત લેવા જણાવાયું છે.
તેનો ઉદ્દેશ્ય પોલીસ-જાહેર સંચારને મજબૂત કરવા ઉપરાંત મહિલાઓ સામેના ગુનાઓને અંકુશમાં લેવા અને પેન્ડિંગ કેસને ઘટાડવાનો છે. ઉપરાંત સગીરોના જાતીય શોષણને અંકુશમાં લેવા માટે, મુંબઈ પોલીસ ‘ગુડ ટચ, બેડ ટચ’, ‘નિર્ભયા પોલીસ ટુકડી’, ‘પોલીસ દીદી’ અને ‘હેલ્પ ડેસ્ક’ જેવા અભિયાન ચલાવી રહી છે.
આ પણ વાંચો :બદલાપુર યૌન શોષણ કેસ: સ્કૂલ પ્રશાસન સામે POCSO હેઠળ કેસ નોંધવા હાઇ કોર્ટનો આદેશ
મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર જાન્યુઆરીથી મે સુધીમાં મહિલાઓ અને છોકરીઓ સંબંધિત ૨૫૮૪ કેસ નોંધાયા છે. ૨૦૨૩માં, પોક્સો સંબંધિત ૫૦૯ કેસોમાં છોકરીઓ પર બળાત્કાર, વિનયભંગ, છેડતી વગેરે જેવા ગુનાઓનો સમાવેશ થાય છે, જ્યારે ૨૦૨૨માં આ આંકડો ૪૬૨ હતો. આર્થિક સર્વે અનુસાર મહારાષ્ટ્રમાં ૨૦૨૩માં છોકરીઓ સાથેના ગુનાઓમાં ૫ ટકાનો વધારો નોંધાયો હતો.