ઘાટકોપરમાં હોર્ડિંગ દુર્ઘટના: કાટમાળ નીચેથી વધુ બે મૃતદેહ મળ્યા, ત્રીજા દિવસે પણ રેસ્ક્યુ ઑપરેશન ચાલ્યું

મુંબઈ: ઘાટકોપરમાં છેડાનગર ખાતે મહાકાય હોર્ડિંગ તૂટીને પેટ્રોલ પંપ પર પડવાની ઘટનાના બીજે દિવસે કાટમાળ નીચેથી વધુ બે મૃતદેહ મળી આવ્યા હતા. આ ઘટના બાદ સતત ત્રીજા દિવસે સર્ચ અને રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરાયું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ઘાટકોપરમાં ઘટનાસ્થળેથી મંગળવારે રાતે વધુ બે મૃતદેહ મળી આવ્યા હતા, પરંતુ તેની આસપાસ કાટમાળ વધુ હોવાથી તે કાઢવામાં પ્રશાસનને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ઘાટકોપરના છેડાનગર વિસ્તારમાં સોમવારે સાંજના તોફાની પવન અને કમોસમી વરસાદને કારણે હોર્ડિંગ તૂટી પડ્યું હતું. આ જમીન ગવર્નમેન્ટ રેલવે પોલીસના કબજામાં હતી.
આ પણ વાંચો : Ghatkopar Hoarding Tragedy: હોર્ડિંગ બાબતે થયો વધું એક ચોંકાવનારો ખુલાસો, વિશ્વાસ નહીં થાય પણ આ હકીકત છે…
રેસ્ક્યુ ટીમોએ અગાઉ હોર્ડિંગ નીચેથી 89 લોકોને બહાર કાઢ્યા હતા, જેમાંથી 14ને મૃત ઘોષિત કરાયા હતા, જ્યારે 75 ઘાયલ થયા હતા.
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ નિખિલ મુધોલકરે જણાવ્યું હતું કે અમે હોર્ડિંગના ત્રીજા ગર્ડર હેઠળ સપડાયેલા બે મૃતદેહ જોયા હતા. જોકે ત્યાં સુધી પહોંચવા માટે જમીન પર સરકીને જવું પડે એમ હોવાથી ત્યાં પહોંચવા અમને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
અમે રાતભર પહેલું ગર્ડર કાપીને કાઢ્યું છે અને અર્થમુવર તથા એક્સકેવેટરની મદદથી કાટમાળ કાઢી રહ્યા છીએ. હવે બીજું ગર્ડર કાપવામાં આવશે. બાદમાં આવા હજી પાંચ ગર્ડર કાપવાના બાકી છે. તમામ ગર્ડર કાપ્યા બાદ જ હજુ કોઇ કાટમાળ નીચે છે કે કેમ તે જાણી શકાશે, એમ પણ તેમણે જણાવ્યું હતું.
બુધવારે સવારે બચાવ કામગીરી દરમિયાન નાની આગ ફાટી નીકળી હતી, પણ તેને તુરંત બુઝાવી દેવામાં આવી હતી.
દરમિયાન એનડીઆરએફના અધિકારીએ જણાવ્યું હતું કે કાટમાળ હેઠળ હજી પણ કેટલાક લોકો ફસાયા હોવાની શક્યતા છે. જોકે ત્રીજો દિવસ થયો હોવાથી હવે કોઇ જીવિત હોય તેવી શક્યતા નથી. આથી મરણાંક વધી શકે છે. સંપૂર્ણ કાટમાળ હટાવ્યા બાદ ચિત્ર સ્પષ્ટ થશે. (પીટીઆઇ)