કલ્યાણમાં ઘાટકોપરના હૉર્ડિંગવાળી થતાં રહી ગઈ
ભારે પવનને લીધે હૉર્ડિંગ તૂટી પડતાં ત્રણ જણને મામૂલી ઈજા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ નજીક આવેલા કલ્યાણમાં શુક્રવારે વહેલી સવારે એક હૉર્ડિંગ તૂટી પડ્યું હતું, જેમાં ત્રણ લોકોને મામૂલી ઈજા પહોંચી હતી. તો ત્રણ વાહનોને નુકસાન થયું હતું. ભારે વરસાદ અને પવન ફૂંકાવાને કારણે આ હૉર્ડિંગ તૂટી પડ્યું હોવાનું માનવામાં આવે છે.
કલ્યાણના તહેસીલદાર સચિન શેજપાલના જણાવ્યા મુજબ વહેલી સવારે ૧૦.૩૦ વાગ્યાની આસપાસ કલ્યાણના સહજાનંદ ચોકમાં આ દુર્ઘટના બની હતી. દુર્ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડ સહિતની બચાવ ટુકડી તુરંત પહોંચી ગઈ હતી. હૉર્ડિંગ તૂટી પડવાને કારણે રસ્તેથી પસાર થઈ રહેલા ત્રણ લોકોને મામૂલી ઈજા પહોંચી હતી. તો ત્રણ વાહનોને નુકસાન થયું હતું. મોડે સુધી હૉર્ડિંગનો કાટમાળ હટાવવાની કામગીરી ચાલી હતી.
પ્રાથમિક તપાસમાં ભારે વરસાદ અને પવન ફૂંકાવાને કારણે હૉર્ડિગ તૂટી ગયું હોવાનું માનવામાં આવે છે. તપાસ બાદ ચોક્કસ કારણ જાણી શકાશે એવું પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : યારી-લોખંડવાલા બ્રિજને મળી લીલી ઝંડી
કલ્યાણમાં સવારના તૂટી પડેલા હૉર્ડિંગે મુંબઈના ઘાટકોપરમાં ત્રણ મહિના અગાઉ તૂટી પડેલા હૉર્ડિંગની દુર્ઘટનાની યાદ કરાવી હતી, જેમાં ૧૭નાં મોત થયાં હતાં. ઘાટકોપર હૉર્ડિંગ દુર્ઘટના બાદ મુંબઈ મહાનગરપાલિકાએ હૉર્ડિંગને લગતી નવી ગાઈડલાઈન બહાર પાડી હતી.
મે મહિનામાં અચાનક આવી પડેલા વરસાદ અને તોફાની પવનને કારણે ઘાટકોપર (પૂર્વ)માં પેટ્રોલ પંપ ઉપર ૧૨૦ બાય ૧૨૦ ફૂટનું ગેરકાયદે હૉર્ડિંગ તૂટી પડયું હતું, જેમાં ૭૫થી વધુ લોકો ઘાયલ થયા હતા અને ૧૭નાં મોત થયાં હતાં. નબળા પાયાને કારણે હૉર્ડિંગ તોફાની પવનનો સામનો કરી શક્યું નહોતું અને તૂટી પડ્યું હતું. પાલિકા દ્વારા મુંબઈમાં ૪૦ બાય ૪૦ ફૂટના હૉર્ડિંગ લગાવવાની જ મંજૂરી છે ત્યારે રેલવેની જમીન પર ગેરકાયદેસર રીતે મોટી સાઈઝનું હૉર્ડિંગ પાલિકાની મંજૂરી વગર લગાવી દેવામાં આવ્યું હતું.