હિતેશ મહેતાએ બ્રેઈન મેપિંગટેસ્ટમાં ગુનાની કબૂલાત કરી
બ્રેઈન મેપિંગ ટેસ્ટના પોઝિટિવ અહેવાલથી કેસને મજબૂત આધાર મળવાની પોલીસને આશા

મુંબઈ: ન્યૂ ઈન્ડિયા કો-ઓપ. બૅંકના 122 કરોડ રૂપિયાની ઉચાપતના કેસમાં ધરપકડ કરાયેલા ભૂતપૂર્વ જનરલ મૅનેજર અને અકાઉન્ટ હેડ હિતેશ મહેતાએ બ્રેઈન મેપિંગ ટેસ્ટમાં ગુનાની કબૂલાત કરી હોવાનું અહેવાલ પરથી સ્પષ્ટ થાય છે. બ્રેઈન મેપિંગ ટેસ્ટના પોઝિટિવ અહેવાલને પગલે મહેતાએ અત્યાર સુધીની તપાસમાં આપેલી મહત્ત્વપૂર્ણ માહિતીને આધાર મળ્યો હોવાનું કહેવાય છે.
રોકડની ઉચાપતના મામલે આર્થિક ગુના શાખાની પૂછપરછમાં હિતેશ મહેતા સહકાર આપતો ન હોવાથી કલિનાની ફોરેન્સિક સાયન્સ લૅબોરેટરીમાં તેની બ્રેઈન મેપિંગ ટેસ્ટ કરવામાં આવી હતી. લગભગ ત્રણ કલાક સુધી આ ટેસ્ટ ચાલી હતી. હવે ટેસ્ટનો અહેવાલ આર્થિક ગુના શાખાને પ્રાપ્ત થયો છે.
કેસની તપાસ કરતા એક અધિકારીએ જણાવ્યું હતું કે ટેસ્ટનો અહેવાલ પોઝિટિવ આવ્યો છે. મહેતાએ અત્યાર સુધીમાં કરેલી કબૂલાતને આ અહેવાલથી આધાર મળ્યો છે. ટેસ્ટ દરમિયાન તેણે ગુનાની કબૂલાત કરી હતી અને તેણે જે આરોપીઓનાં નામ આપ્યાં હતાં તેમની સંડોવણીને સમર્થન મળ્યું છે.
આ પણ વાંચો: શૅર ટ્રેડિંગ ફ્રોડમાં રોકાણકારોએ ગુમાવ્યા 1.23 કરોડ રૂપિયા: ત્રિપુટી વિરુદ્ધ ગુનો
અગાઉ મહેતા પર પોલિગ્રાફ ટેસ્ટ કરવામાં આવી હતી. એ ટેસ્ટમાંથી કોઈ તારણ નીકળ્યું ન હોવાથી મહેતાની બ્રેઈન મેપિંગ ટેસ્ટ કરાઈ હતી.
અધિકારીના જણાવ્યા મુજબ હવે એવું સામે આવ્યું છે કે બૅંકના ભૂતપૂર્વ ચૅરમૅન હિરેન ભાનુ અને મહેતાએ ભાનુના અંગત ઉપયોગ માટે બૅંકના વૉલ્ટમાંથી રોકડની ઉઠાંતરી કરી હતી. અમુક મહિના પછી આ નાણાં પાછાં જમા કરી દેવાતાં હતાં. આ પછી મહેતાએ પોતાની મેળે નાણાંની ઉચાપત કરવાનું શરૂ કર્યું હતું. નાણાં પર સારું વળતર મેળવ્યા પછી મૂળ રકમ વૉલ્ટમાં પાછી મૂકી દેવાતી હતી.
મહેતાએ બિલ્ડર ધર્મેશ પૌનને એસઆરએ પ્રોજેક્ટ માટે રૂપિયા આપ્યા હતા. આ રૂપિયા તેણે વ્યાજ સાથે પાછા આપવાના હતા. આ જ રીતે રાજીવ રંજન પાંડેને પણ નાણાં આપવામાં આવ્યાં હતાં, જેણે કંપનીઓમાં રોકાણ કરવાથી વધુ નાણાં મળશે, એવું મહેતાને કહ્યું હતું
આ પણ વાંચો: પ્રોપર્ટી ટૅક્સના ડિફોલ્ટરો પાસેથી ૨૨,૦૦૦ કરોડ રૂપિયા વસૂલવા પાલિકાએ કમર કસી છે
દરમિયાન કોર્ટે આર્થિક ગુના શાખાની અરજીના જવાબમાં મહેતાના સાત ફ્લૅટ, એક દુકાન અને બંગલો સહિત 21 મિલકતને ટાંચ મારવાની મંજૂરી આપી હતી. કોર્ટે બૅંકના ભૂતપૂર્વ ચૅરમૅન હિરેન ભાનુ અને તેની પત્ની ગૌરીને ભાગેડુ પણ જાહેર કર્યાં હતાં.